પશુઓમાં ઉથલા મારવાના કારણો અને તેનું નિરાકરણ

દૂધાળા પશુઓમાં હંગામી વંધ્યત્વ અંગેની મૂંઝવણવાળા પ્રશ્નો પૈકી, ઊથલા મારવા એ એટલો જ અગત્યનો તથા હજી પણ અણસમજ રહેલ પ્રશ્ન છે. જેના લીધે દૂધાળા પશુઓનાં ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ગાય-ભેંસના લગભગ નિયમિત ૧૮ થી ૨૩ દિવસના ઋતુચક્ર દરમિયાન સાંઢ-પાડાથી આશરે ત્રણ કે ચાર વખત ફાલુ કરાવ્યા છતાં ગર્ભ ન રહેતાં, ફરીથી ગાય-ભેંસ ગરમી/વેતરમાં પાછી ફરે છે, જેને ઊથલા મારવાનું કહેવાય, આવા માદા જાનવરોમાં નરી આંખે ન દેખાય કે ન બહારથી શારીરિક ફેરફાર તપાસી શકાય તેવો મૂંઝવણવાળો પ્રશ્ન છે.

સદરહુ વંધ્યત્વના પ્રશ્નમાં હજી પણ અણસમજ પ્રવર્તે છે. જે માટે જુદા જુદા પ્રકારના અભિપ્રાયો હોય શકે. આ પ્રકારના વંધ્યત્વ સારું બધા જ તબક્કાઓનો વિગતવાર અભ્યાસ કરવો જરૂરી છે. ઊથલા મારવા અંગે જુદા જુદા તજજ્ઞોએ અભ્યાસ કરેલ તે અનુસાર ૫ ટકા થી ૪૨.૭૭ ટકા જેટલી ઉથલા મારવાની સંભાવના ગાયોમાં જોવા મળેલ છે.

કારણભૂત પાસાઓ

દૂધાળા પશુઓમાં ઉથલા મારવાના મુખ્ય કારણોમાં પ્રજનન અવયવોની ખામીઓ, જવાબદાર અંતઃસ્ત્રાવો, ચેપ/ બગાડ, પ્રતિકૂળ આબોહવા, સંતુલિત ખોરાકનો અભાવ, વારસાગત લક્ષણો, સાર-સંભાળ અંગેની ખામીઓ, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, એન્ટીબાયોટીક્સ તથા વંધ્યત્વ નિવારણયુક્ત દવાઓની આડઅસરો તથા પ્રજનન અવયવો પૈકી, ગર્ભાશય ગ્રીવાના સૂક્ષ્મકોષોની વિકૃતિ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તદુપરાંત સામાન્ય છતાં ખૂબ જ અગત્યના નીચેના કારણો પણ ઉથલા મારવામાં જવાબદાર ગણાય.

માદા જાનવરોનાં ફાલુ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાંઢની યોગ્ય પસંદગીના અભાવને લીધે ગાયને ફાલુ કરાવવા છતાં ઉથલા મારી પાછી વેતરમાં આવે છે. આથી સારી ગુણવત્તાવાળા ઊંચી ફળદ્રુપતા ધરાવતા સાંઢ પસંદ કરી કુદરતી રીતે કે, કૃત્રિમ બીજદાન પદ્ધતિ માટે વાપરવા જોઈએ.

સઘન સંવર્ધન તથા વારંવાર સંવર્ધનને લીધે માદા પશુઓના પ્રજનન અંગોને ચેપ લાગે છે. જે માટે નિયમિત પ્રાયોગિક પરીક્ષણ, કૃત્રિમ બીજદાન કર્યા બાદ જરૂર જણાય તો એન્ટીબાયોટીક્સ દવાઓનો ઉપયોગ વગેરે બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. આમ કરવાથી બગાડ થતો અટકાવી શકાશે અને માદા પશુઓમાં વંધ્યત્વ નિવારી શકાશે.

અમુક ચોક્કસ મહિનામાં કે ઋતુ સમયગાળામાં ગાયમાં પ્રજનન કામગીરી સરળતાથી થઈ શકે છે. દા. ત. ગાયો લગભગ ઉનાળાની શરૂઆતમાં મહિના (માર્ચ-એપ્રિલ) તથા ભેંસો શિયાળની ઋતુમાં (નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી) સહેલાઇથી ગર્ભ ધારણ કરી શકે છે. આ સિવાય પ્રતિકૂળ ઋતુના સમયગાળામાં ઉથલા મારવાની શક્યતા વધુ રહે છે. આ ઉપરાંત ઘણીવાર પ્રતિકૂળ આબોહવા વાતાવરણનો પણ ભાગ ભજવાય છે. ગરમીના દિવસોમાં ગાય-ભેંસને છાંયડે રાખી, કૃત્રિમ બીજદાન કર્યા બાદના તબક્કામાં કાળજી લેવામાં આવે તે જરૂરી છે.

હાલની વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એ સિદ્ધ થયું છે કે શિયાળામાં થીજવેલ વીર્ય કે જે ઉનાળા જેવી ગરમ ઋતુમાં આવતી માદા માટે કૃત્રિમ બીજદાનમાં ઉપયોગ કરવામાં આવે તો વધુ સફળતા મળે ને ઉથલો મારવાની સંભાવના ઘટાડી શકાય. આમ ઋતુ, સમયગાળો તથા આબોહવાને લીધે જાનવરોની ગરમીનો સમય, ઋતુચક્ર તથા શરૂઆતનો ગર્ભ અને બચ્ચાના વિકાસ વગેરે પરિબળો પર મહદંશે ફાળો છે.

વૈજ્ઞાનિક શોધખોળો અને કતલખાનાના અભ્યાસ પરથી એવું જાણવા મળેલ છે કે વંધ્યત્વ કામચલાઉ ૨૦.૩૨ ટકા તથા કાયમી ૪.૩૪ ટકા કે જે અંડવાહિની નલિકાનો ભાગ બંધ થવાથી કે અવરોધને લીધે જણાય છે. તેમાંયે અંડવાહિનીનલિકાના આગળના જોડાણ ભાગમાં ૭૨.૫૦ ટકા વચ્ચેના ભાગમાં ૨૨.૨૫ ટકા તથા છેડાના ગરણીવાળા ભાગમાં ૫.૨૫ ટકા નળીનો અંદરનો ભાગ બંધ થયેલ જોવા મળે છે. બીજા અન્ય અભ્યાસમાં બહારથી હવાનું દબાણ આપી અંડવાહિની નલિકા બંધ છે કે કેમ તે ચકાસતા ૧૯.૧૫ ટકા પશુઓમાં વારંવાર ઉથલા મારે છે અને કાયમી વંધ્યત્વથી પીડાય છે.

અંડ (સ્ત્રીબીજ ) નિયત સમયમાં અંડપિંડમાંથી છૂટું ન પડે તો પણ માદા જાનવર ઉથલા મારે છે ને ખાસ કરીને ૧૫ થી ૪૦ ટકા કિસ્સાઓમાં આવા પ્રકારની ક્ષતિ જણાઈ છે.

ઉથલા મારતાં જાનવરોમાં વળી ગયેલું, બહાર વધુ ઉપસેલું, અંદર વધુ ઉપસેલું કે ઉલટસુલટ ઉપસેલ ગર્ભાશય મુખ કે જેને લીધે કૃત્રિમ બીજદાન કે કુદરતી સંવર્ધન દરમિયાન વીર્ય ગર્ભાશયમાં પસાર થઈ શકતું નથી, તે માદા પશુઓ ઉથલા મારે છે. આ પ્રકારની ક્ષતિ માટે યોગ્ય નિદાન, પ્રાયોગિક ચકાસણી તથા એ અંગે જરૂરી સારવાર અગત્યની છે. આમ થવાના કારણમાં વારંવાર કાળજી વિના થયેલ કૃત્રિમ વીર્યદાન કે વિયાણ સમયની ઈજાઓ છે.

યોગ્ય નિદાન પદ્ધતિઓ

ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે ખેતીની સાથે સાથે પશુપાલન એ એક પૂરક વ્યવસાય છે. ગુજરાત રાજયમાં સારી ઓલાદની ભેંસો તથા ગાયો કુદરતી બક્ષીસ છે ને તેથી દૂધાળા જાનવરનું યથૌચિત ઉત્પાદન જાળવવા માદા જાનવરની સંવર્ધન કામગીરી સઘન રીતે સફળ નીવડે તો જ ૧૨ થી ૧૩ મહિને વિયાજણનું લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે ને તેથી ઉથલા મારતા માદા જાનવરની વ્યક્તિગત દેખરેખ સાથે નિષ્ણાંત પશુચિકિત્સક દ્વારા નિદાન કરાવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ.

જે માટે નીચે મુજબના પાસાઓ ધ્યાનમાં રાખવા જોઈએ,

  • સંપૂર્ણ પ્રજનન અવયવનું પરીક્ષણ.
  • ચેપ / બગાડ સામે પ્રાયોગિક ચકાસણી અને દવાવાઓનો ઉપયોગ.
  • અંડબીજ છૂટું પડવા અંગે વિગતવાર તબીબી અભ્યાસ.
  • અંડવાહિની નલિકાની વૈજ્ઞાનિક ચકાસણી.
  • પ્રજનન અંગોની વિકૃતિનો અભ્યાસ
  • યથૌચિત સારવાર બાબતે.

ઉથલા મારતા અટકાવવા માટે જરૂરી સારવાર અને કાળજી

માદા જાનવરોમાં ઉથલા મારવા અંગે જુદા જુદા ક્ષેત્રે વિચારવું જોઈએ. જીવાણુશાસ્ત્રની નજરે ચેપ/બગાડ, વિકૃતિશાસ્ત્રની નજરે કોષ રચનામાં થયેલ વિકૃતિ, અંતઃસ્ત્રાવ તજજ્ઞની નજરે અંતઃસ્ત્રાવમાં થયેલ ફેરફારને આ માટે કારણભૂત ગણી શકાય. જ્યારે તબીબી દ્રષ્ટિએ આ બધા પાસાઓનો અભ્યાસ ધ્યાન ઉપર લઈ, ઉથલા મારવા સામે યોગ્ય સારવાર નીચે મુજબ લઈ શકાય.

  • ઉથલા મારવા અંગે સામૂહિક પ્રશ્ન માટે ગરમી/વેતર આવેલ માદા જાનવરોની નોંધણી તથા ઉચિત સમયે થયેલ કૃત્રિમ બીજદાન અગત્યનું છે.
  • માદા જાનવરોને ફાલુ કરવા વપરાયેલ સાંઢ-પાડાની વીર્ય ગુણવત્તા ઉત્તમ પ્રકારની તથા વધુ ગતિશીલ શુક્રાણુવાળું વીર્ય હોવા જરૂરી છે.
  • મૈથુન દરમિયાન ચેપ/રોગ/બગાડના પ્રવેશનો જરૂરી સામનો અને તે અંગેની કાળજી જેમાં સારી ગુણવત્તાવાળા સાંઢ-પાડાનીપસંદગી માદા જનવારોના સંવર્ધન માટે કરવી જોઈએ.
  • સંવર્ધન રહેઠાણ તથા વિયાણ જગ્યાની ચોખ્ખાઈ, સાફ-સફાઈ એ અગત્યની બાબત છે.
  • જાનવરની ચોક્કસ પ્રકારની સારસંભાળ કે જેમાં નિયમિત સમતોલ આહાર, પાણી, કાળજીનો સમાવેશ થાય છે. માદા જાનવરોની સંવર્ધન ક્ષમતા તથા વખતોવખત તે અંગેનું પરીક્ષણની નોંધણી જરૂરી છે.

ખોરાકની બાબતે સંતુલિત ખોરાકમાં વિટામીન્સ, ખનીજક્ષારો જરૂરી છે, જેના લીધે શારીરિક ક્રિયાઓ નિયમિત ચાલે છે, ને પ્રજનન અવયવો નક્કી સમયગાળામાં વિકસિત બને છે. આથી ખોરાકમાં દાણ તથા ઘાસચારો વગેરે જરૂરી ગણાય છે.

 

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત