ફોસ્ફરસની ત્રુટીથી થતો વિયાણ પછીનો લાલ પેશાબનો રોગ

પશુઓમાં લોહી જેવા પેશાબ અનેક કારણોથી થઇ શકે છે. જુદા જુદા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ જુદા જુદા એક અથવા એક થી વધારે કારણોથી લાલ અથવા ભૂરા રંગનો પેશાબ થઇ શકે છે.

સામાન્ય રીતે વિયાણ પછીના બે થી ચાર અઠવાડિયા દરમ્યાન આ રોગ થતો હોવાને કારણે તેને વિયાણ પછીનો લાલ પેશાબનો રોગ કહે છે. મુખ્યત્વે આ રોગ વધુ દૂધ ઉત્પાદન આપતા જાનવરોમાં થાય છે. જે દરમ્યાન અસર પામેલા જાનવરો પૈકી અડધા ઉપરાંત મૃત્યુ પામે છે. ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓ દરમ્યાન પણ આ રોગ થઇ શકે છે. અને થાય ત્યારે ગર્ભપાત અને મૃત્યુમાં પરિણામે છે. આ રોગ થવાનું મુખ્ય કારણ શરીરમાં અને ખાસ કરીને લોહીમાં ફોસ્ફરસની ત્રુટી ઉત્પન્ન થવી તે છે. જયારે છ માસ કે તેથી વધુ લાંબા સમયગાળા દરમ્યાન જાનવરને ફોસ્ફરસ રહિત અથવા ઓછા ફોસ્ફરસ વાળો ખોરાક આપવામાં આવે કે એકલા કોબીજના પાન જેવા ખોરાક આપવામાં આવે ત્યારે જાનવરના શરીરમાં સંગ્રહ થયેલ ફોસ્ફરસ પણ વપરાઈ જાય છે અને બાકી દુધાળ જાનવરના દૂધમાં ફોસ્ફરસ વહી જતા હોઈ છે. જે અંતે શરીર અને લોહીમાં ફોસ્ફરસની ત્રુટી ઉત્પન્ન કરે છે. ઉપર દર્શાવેલ બાબતો ઉપરાંત ઘાસચારા/ચરીયાણની જમીનનો પ્રકાર, જમીનમાં તાંબુ અને મોલીબ્ડેનમની ખામી જેવા પરિબળો પણ પ્રાણીની શરીરમાં ફોસ્ફરસની ત્રુટી ઉત્પન્ન કરવામાં અગત્યનો ફાળો આપે છે. લોહીમાં ફોસ્ફરસનું સામાન્ય પ્રમાણ ૪.૭ મી.ગ્રા/૧૦૦ મી.લી. થી ઘટીને ૦.૫ મી.ગ્રા/૧૦૦ મી.લી થાય ત્યારે રોગના ચિન્હો દેખાય છે.

રોગના ચિન્હો

  • એક સરખો લાલ પેશાબ
  • દૂધ ઉત્પાદનમાં ઘટાડો
  • શરીરનું નીર્જલીકરણ
  • ઝાડો કાઠો
  • આંખ મોઢાની શેલ્ષ્મકલા શરૂઆતમાં ફીકી અને પછી પીળાશ પડતી
  • જાનવર અખાદ્ય પદાર્થો ખાવા તરફ વળે
  • તીવ્ર અવસ્થામાં ૩ થી ૫ દિવસમાં જાનવર મૃત્યુ પામે
  • મૃત્યુ પામલે જાનવરોની મરણોત્તર તપાસમાં આખું શરીર પીળું પડી ગયેલ જણાય છે. કાળજું (યકૃત) ફૂલી ગયેલુ તથા મૂત્રાશયમાં ગાઢો ભૂરો રંગનો પેશાબ જોવા મળે છે.
  • બચી ગયેલ જાનવરો સાજા થવામાં તથા દૂધ પર વળવામાં લાંબો સમય લાગે છે.
red urine
red urine

રોગ નિદાન માટે લેબોરેટરી તપાસ

રોગ નિદાન માટે લોહીમાં ફોસ્ફરસનું પ્રમાણ જાણવું જરૂરી છે.

રોગ અટકાવ

જયારે ગામ અથવા વિસ્તારમાં છુટાછવાયા અથવા તબેલામાં વધુ જાનવરો આ રોગથી પીડાતાં હોય ત્યાં જમીન, ઘાસચારો અને લોહીની તપાસ કરવાથી ફોસ્ફરસનું અથવા અન્ય ખામીનું નિદાન થઇ શકે છે. આ રોગ ચેપી નથી, તેથી બીજા જાનવરો માટે સીધો જોખમી નથી. પરંતુ આ રોગનું દેખાવું જે તે વિસ્તારમાં રોગ કરનાર પરિબળોની હાજરીનું સૂચક છે.

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા- ભાગ: ૩


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત