ઓક્સીટોસીન અભિશાપ કે વરદાન?

પશુઓમાં હાયપોથેલેમસ મગજની અંદર આવેલો આગળની તરફનો મગજનો એક ભાગ છે, તે મગજના કુલ કદનો ૧/૩૦૦ ભાગના કદનો હોય છે. પીટયૂટરી ગ્રંથિ હાયપોથેલેમસની નીચે હાડકાંના નાના ગોખલામાં આવેલી ગ્રંથિ છે.

ઓક્સીટોસીન તથા વાસોપ્રેસીન નામના બે અંતઃસ્ત્રાવ હાયપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે અને પીટયૂટરી ગ્રંથિના પાછલાં ભાગમાં સંગ્રહ થાય છે. ઓક્સીટોસીન બધા સસ્તન વર્ગના પ્રાણીઓમાં જોવા મળે છે. ઓક્સીટોસીન અને વાસોપ્રેસીનનું પરિવહન નાના આવરણયુક્ત વેસીકલ મારફત થાય છે અને તે લોહીના પરિભ્રમણમાં પરિવહન તથા પહેલા કેશવાહિનીઓના ગુચ્છ સમીપ એકઠો થાય છે. ઓક્સીટોસીન મનુષ્ય, ગાય અને ઘેટીના અંડાશયમાં પણ ઉત્પન્ન થાય છે. આમ, ઓક્સીટોસીન અંડાશય તથા હાયપોથેલેમસ એમ બે જગ્યાએ ઉત્પન્ન થાય છે.

કાર્ય

ઓક્સીટોસીન બે ગ્રીક શબ્દો છે તેનો અર્થ થાય છે ‘ઝડપથી જન્મ થવો’ જે તેનું એક દેહધાર્મિક કાર્યનું વર્ણન કરે છે, જે ગર્ભાશયના માંસલ ભાગનું સંકોચન કરે છે. ઓક્સીટોસીન અંડવાહિનીનું પણ સંકોચન કરે છે અને શુક્રકોષ તથા સ્ત્રી બીજાંડના પરિવહનમાં મદદ કરે છે. ગર્ભાશય તથા અંડવાહિનીના સંકોચનમાં ઓક્સીટોસીન કઈ રીતે સીધી રીતે અસર કરે છે તેના કારણો હજુ સુધી જાણવા મળેલ નથી.

દૂધ બહાર કાઢવું એ એક ચેતાસહ અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે અને આ એક પ્રક્રિયા જ ઓક્સીટોસીનનું પ્રસ્થાપિત થયેલ અગત્યનું કામ છે. ધાવણ આપતી માદા દ્રશ્ય અને સ્પર્શ ઉત્તેજના જે દૂધ દોહવા તથા દૂધ ધાવવા સાથે સંકળાયેલ છે, આ પ્રક્રિયાથી ઓક્સીટોસીન ઉત્પન્ન થઈ લોહીના પરિભ્રમણમાં આવે છે અને ઓક્સીટોસીન ત્યાંથી દૂધ ઉત્પન્ન કરતી ગ્રંથિના માંસલ ભાગમાં આવે છે અને ત્યાં આવેલી દૂધ સ્ત્રાવ કરતી નળીઓ ઉપર સંકોચન દબાણ કરે છે અને દૂધ વહન કરતી નળીઓ દ્વારા આંચળમાં દૂધ લાવે છે અને પશુ દૂધ આપવા માટે તૈયાર થાય છે.

ગાય, બકરી અને ઘેટીમાં ઓક્સીટોસીનની લ્યુટીઓલાઇટીક અસર જોવા મળે છે, આ પશુઓમાં કોર્પસ લ્યુટીયમ સમયસર અદ્રશ્ય ના થાય તો પ્રજનનના પ્રશ્નો ઊભા થાય છે. અંડકોષમાંથી ઉત્પન્ન થતું ઓક્સીટોસીન ગર્ભાશયના અંતઃત્વચા ઉપર અસર કરી પ્રોસ્ટાગ્લાન્ડીન એફ-૨ ઉત્પન્ન કરે છે, જે કોર્પસ લ્યુટીયમને દૂર કરે છે. આથી ઓક્સીટોસીનના ગુણધર્મો ધ્યાનમાં લઈ તેનો ઉપયોગ વિયાણ પછી માદા પશુ દૂધ ચડાવી દે તો દૂધનો સહેલાઇથી સ્ત્રાવ કરવા માટે થાય છે, આ ઉપરાંત પ્રસૂતિ પછી માદા પશુના ગર્ભાશયની ઓર સમયસર બહાર પડી ગયેલ ના હોય તો તેના નિકાલ માટે પણ ઉપયોગ કરાય છે. કષ્ટદાયક પ્રસૂતિમાં બચ્ચાના જન્મ વિલંબિત થવાના કિસ્સામાં પણ ઓક્સીટોસીનનો ઉપયોગ થાય છે.

ઓક્સીટોસીન ઔષધરૂપે પશુચિકિત્સકના નિરીક્ષણ હેઠળ સારવાર માટે ઉપલબ્ધ છે. આ એક અંતઃસ્ત્રાવ હોઇ તેનો બેફામ ઉપયોગ પશુના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો ઉત્પન્ન કરે છે અને ઘણીવાર ઉત્પાદક પશુને કાયમી રીતે બિનઉત્પાદક પણ કરે છે. વધુ પડતાં ઉપયોગથી પશુઓ અનેક જાતની બીમારીના ભોગ પણ બને છે. ગ્રામકક્ષાએ પશુ દૂધ આપતું ન હોય ત્યારે અણધડ પશુપાલકો તથા ચિકિત્સકો દ્વારા ઓક્સીટોસીનના ઈંજેકશનો પશુઓને આપવામાં આવે છે અને આ ઈંજેકશનોના અણધડ અને જરૂરિયાત વગરના ઉપયોગથી પશુના સ્વાસ્થ્યને માઠી અસર પહોંચે છે. ઈંજેકશન આપેલ અંતઃસ્ત્રાવ દૂધ દ્વારા પશુના શરીરમાંથી સ્ત્રાવ થતો હોઇ લાંબા ગાળે મનુષ્ય સ્વાસ્થ્યને પણ અસર કરતો માલુમ પડેલ છે.

પ્રાણીક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ જે ગુજરાત સરકારે ૧૮૮૨ સુધીના સુધારાઓ સહિત સ્વીકારેલ છે તેની કલમ-૧૨ મુજબ દૂધ ઉત્પાદન વધારવા માટે કૃત્રિમ રીતે વપરાતી પદ્ધતિઓ જેનાથી પશુસ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેવી પદ્ધતિઓના ઉપયોગ કરતી વ્યક્તિઓ સામે રૂપિયા એક હજાર સુધીના દંડ અથવા બે વર્ષની કેદ અથવા બંને શિક્ષાઓની જોગવાઈ છે. ઓક્સીટોસીન ઈંજેકશન પણ અણધડ ચિકિત્સકો દ્વારા બેફામ વપરાય તો બિન અધિકૃત રાખનાર અને વાપરનાર સામે આ કલમની જોગવાઈ મુજબ સજાની કાર્યવાહી થઈ શકે છે.

ઓક્સીટોસીન જો તબીબી ક્ષેત્રે પશુચિકિત્સકની સલાહ અનુસાર જ વાપરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ વરદાન છે અને જો તે મુજબ ન થાય તો અભિશાપ પણ થઈ શકે છે.

સંદર્ભ:

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા- ભાગ: ૩


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત