દૂધજન્ય રોગો અને તેના ઉપર અંકુશ

મનુષ્યની તંદુરસ્તીના વિકાસ અને તેની જાળવણી માટે જરૂરી એવા તમામ આહારતત્વો, દૂધમાં સમાવિષ્ટ હોવાને કારણે દૂધને એક આદર્શ અને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. દૂધ એક એવો આહાર છે કે જે દરેક વયસમૂહ જેમ કે નવજાત શિશુ, બાળક, કિશોર, યુવાન, વૃદ્ધ, સગર્ભા સ્ત્રી કે સ્તનપાન કરાવતી સ્ત્રી માટે જરૂરી છે. દૂધ એ પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોબાલ્ટ, તાંબુ, આયોડિન, પ્રજીવક એ, ડી, રીબોફ્લેવિન અને થાયામાઈનનો સારો સ્ત્રોત છે. પોતાના આહારમાં નિયમિતપણે દૂધ મેળવતાં બાળકોમાં વજન અને ઊંચાઈ, પોતાના આહારમાં ક્યારેય દૂધ ન મેળવ્યું હોય તેવા બાળકોની સરખામણીમાં વધારે હોય તેવા અહેવાલો ઘણીવાર મળેલ છે. આથી ભલામણ કરવામાં આવી છે કે બાળકોએ ઓછામાં ઓછું ૨૫૦-૩૦૦ ગ્રામ દૂધ, પુખ્તવયના શાકાહારીઓએ ૨૦૦ ગ્રામ, પુખ્તવયના બિનશાકાહારીઓ ૧૦૦ ગ્રામ તેમજ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓએ ૩૦૦ ગ્રામ દૂધ દરરોજ લેવું જોઈએ.

આનાથી વિરુદ્ધ સૂક્ષ્મ જીવાણુઓના વિકાસ માટે દૂધ શ્રેષ્ઠ માધ્યમની સેવા આપે છે અને ઘણા બધા રોગોત્પાદક જીવાણુઓ માટે દૂધ વાહક માધ્યમની ગરજ સારે છે. જો દૂધની જાળવણીમાં પૂરતી કાળજી રાખવામાં ન આવે તો તે ઘણા સ્ત્રોતો દ્વારા જીવાણુગ્રસ્ત થઈ જશે. દૂધાળા પશુઓ, વાતાવરણ (જીવાણુગ્રસ્ત વાસણો, પ્રદુષિત પાણી, કાદવનું પાણી, ધૂળ, માખીઓ વગેરે) અને પશુસંચાલકો (પશુ સંભાળનાર વ્યક્તિઓ) દૂધની જીવાણુગ્રસ્તતા માટેના મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ખાદ્ય અને કૃષિ સંસ્થા/વિશ્વ સ્વાસ્થ્ય તજજ્ઞ સમિતિ દ્વારા દૂધજનિત રોગોનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

પશુઓના રોગો કે જે મનુષ્યમાં પણ થઈ શકે છે

  • બ્રુસેલોસિસ
  • ક્ષય
  • સાલ્મોનેલોસિસ
  • ક્યૂ ફીવર
  • એન્થ્રેક્ષ
  • સ્ટેફાયલોકોકસ/ એંટેરોટોક્સિન
  • સ્ટેફાયલોકોકસ ઇન્ફેકન્સ
  • કેમ્પાયલો બેક્ટેરિયોસિસ
  • યર્સિનિયોસિસ

મનુષ્યના પ્રાથમિક રોગો કે જે દૂધ દ્વારા ફેલાઈ શકે છે

  • ટાઇફોઇડ
  • પેરાટાઇફોઈડ
  • શીગેલોસિસ
  • એંટેરોપાયરોજેનિક ઇસ્ચેરિચિયા કોલાઈ
  • કોલેરા
  • ડિપ્થેરિયા
  • પોલિયો પાયલાઈટિસ
  • ઇન્ફેક્સિયસ હિપેટાઇટીસ

દૂધજન્ય રોગોના અટકાવ અને અંકુશ માટે નીચે મુજબના સૂચનો કરવામાં આવ્યા છે

કાચા કે અર્ધ ઉકાળેલા દૂધનો ક્યારેય ઉપયોગ ન કરવો કેમ કે આ દૂધ દ્વારા ફેલાતાં બધા જ રોગોનું મુખ્ય મૂળ છે. કાચું દૂધ વાપરવાની ટેવ ખાસ કરીને ઉનાળાના દિવસોમાં ગામડાઓમાં વધારે જોવા મળે છે. જો દૂધ યોગ્ય રીતે ઉકાળવામાં આવ્યું હોય તો લગભગ બધા જ રોગકર્તા જીવાણુઓ મરી જાય છે. આ પ્રકારનું દૂધ મનુષ્યની તંદુરસ્તી માટે હિતાવહ છે. આમ ફક્ત ઉકાળેલું દૂધ જ ઉપયોગમાં લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

ફક્ત તંદુરસ્ત પશુઓનું જ દૂધ ઉપયોગમાં લેવું. પશુઓના રોગો જેવા કે ક્ષય, બ્રુસેલોસિસ, ક્યૂ ફીવર, સ્ટેફાઈલોકોસિસ મસ્ટાઇટીસ(આઉનો સોજો) વગેરેમાં જે તે રોગના જીવાણુઓ દૂધમાં જ નીકળતા હોય છે, આવું દૂધ મનુષ્યની તંદુરસ્તી માટે ઘણું ભયજનક હોય છે.દૂધાળા પશુઓના રહેણાંક કે તેમની દોહવાની જગ્યાઓ સ્વચ્છ અને ગંદકી રહિત હોવી જોઈએ. તેનું ભોયતળિયું દરરોજ ફિનાઇલ અથવા અન્ય જલદ જંતુનાશક દ્રાવણથી ધોવું જોઈએ. દૂધ દોહવા માટે ઉપયોગમાં લેવાતાં વાસણો ચોખ્ખા, જંતુમુક્ત અને હંમેશા ઢાંકણથી ઢાંકેલાં હોવા જોઈએ. દૂધાળા પશુઓના તબેલામાં વપરાતું પાણી સ્વચ્છ અને રોગકર્તા જીવાણુરહિત હોવું જોઈએ.

વાસણો ધોવા માટે ક્યારેય તળાવનું, ઝરણાનું કે દૂષિત પાણી વાપરવું ન જોઈએ, કેમ કે આનાથી દૂધ જીવાણુગ્રસ્ત બનતું હોય છે. તબેલામાં પાણીના નિકાલની ભૂગર્ભ યોજના હોવી જોઈએ. પશુઓના રહેણાંકમાંથી ખાતર છાણ તાત્કાલિક રીતે હટાવી દેવું જોઈએ, અન્યથા માખીનો ઉપદ્રવ વધી જશે અને આ માખીઓ પ્રાણીઓના આંચળ, દૂધ દોહવાના વાસણો અને દૂધ ઉપર બેસીને તેમને જીવાણુગ્રસ્ત કરી દેશે અને આંતરડાને લગતા ઘણાં રોગો ફેલાશે.

પશુઓના રહેણાંકમાં ડી. ડી. ટી. અથવા ગેમેકસીનનો છંટકાવ થવો જોઈએ. ધૂળ કે રજકણોથી ફેલાતી જીવાણુગ્રસ્તતાના અટકાવ માટે દૂધ દોહવાના સમય દરમિયાન અથવા તેના એક કલાક પહેલાના સમય દરમિયાન પશુને કશું ખવડાવવું નહીં અને તેની રહેણાંકની જગ્યામાં વાળઝૂડ કરવું નહીં. જો શક્ય બને તો દૂધ દોહયા બાદ તુરંત જ તેને ૫૦ ફેરનહિટ જેટલું ઠંડુ પાડી દેવું. આ પદ્ધતિ જીવાણુઓ વિકાસના ઘટાડામાં મદદરૂપ નીવડશે.

દૂધ દોહયા પહેલા પશુઓના આંચળ અને બાવલાને પોટેશિયમ પરમેગેનેટના દ્રાવણથી યોગ્ય રીતે ધોવા જોઈએ.
દૂધ દોહનાર વ્યક્તિઓને દૂધ દોહતા પહેલાં તેમના નખ કાપી નાંખવા જોઈએ અને તેમના હાથ જંતુનાશક દ્રાવણથી અથવા સાબુથી ખૂબ જ સારી રીતે ધોવા જોઈએ. ડેરીના માણસો, પશુ સંભાળનાર વ્યક્તિઓ, ખેડૂતો, ગ્રામ્યજનો અને ડેરી પ્લાન્ટ પર ફરજ બજાવતા અન્ય માણસોને રોગના ચેપ અને તેના સ્ત્રોત બાબતનું સ્વાસ્થ્ય શિક્ષણ આપવું જોઈએ.

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત