થરપાકર ગાય

થરપાકર ગાય 

થરપારકરને સફેદ સિંધી, કચ્છી અને થરી તરીકે પણ ઓળખવામાં આવે છે જે હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાંથી ઉદભવેલી છે. તે દ્વિ-ઉદ્દેશ્યની જાતિ છે જે તેના દૂધ અને ભારવહન ક્ષમતા બંને માટે જાણીતી છે. તેનું નામ થરપારકર વિસ્તારની નજીક રાજસ્થાનના થર રણ પરથી ઉતરી આવ્યું છે જે તેનું સામાન્ય વસવાટ અને મૂળ સ્થાન હતું. આ પશુઓ મોટા કદના બાંધાવાળા અને સફેદ થી ભૂખરાં રંગના હોય છે. થરપારકર ગાયની જાતિ પાકિસ્તાનથી ઉત્પન્ન થઈ હતી. આ ગાય પાકિસ્તાનના તમામ સ્થળોમાં ઉપલબ્ધ છે અને એશિયાના અન્ય કેટલાક દેશોમાં પણ ઉપલબ્ધ છે. તે વધુ દૂધ ઉત્પાદક ગાયની જાતિ છે. થરપારકર ગાયની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે સૂચિબદ્ધ છે.

 • થરપારકર ગાય સફેદ રંગની હોય છે.
 • તે મધ્યમ કદના હોય છે અને ખૂબ જ મજબૂત હોય છે.
 • તે હરિયાણા ગાય કરતાં સહેજ ટૂંકા છે.
 • ગળાની ગોદડી મોટી અને વિશાળ હોય છે પરંતુ લાલ સિંધી અને સાહીવાલ ગાય કરતાં નાની હોય છે.
 • ખૂંધની પાછળનો ભાગ મોટો અને વિશાળ હોય છે.
 • તે દરરોજ ૮-૧૦ કિગ્રા દૂધ અને વર્ષે ૩૦૦૦-૩૫૦૦ કિગ્રા દૂધ આપે છે.
 • તેઓ ઓછા ખોરાકનો ઉપયોગ કરીને ગુજરાન કરી શકે છે.
 • શિંગડાં મધ્યમ અને જાડા હોય છે.
 • પુખ્ત થરપારકર ગાયનું વજન આશરે ૪૦૦ કિગ્રા અને આખલાનું વજન ૪૫૦ કિગ્રા હોય છે.
 • પગ તુલનાત્મક રીતે ટૂંકા હોય છે.
 • તેમના દૂધમાં ૫ ટકા ચરબી હોય છે. 

થરપારકર જાતિ (કુટુંબ: બોસ ઈંડિકસ) દૂધ ઉત્પાદન અને ભારવહન પ્રાણીઓ તરીકે વપરાય છે. થરપારકર એ સારંગી આકારના શિંગડાવાળા દેશી પશુઓ છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન થરપાકર મહત્વનું સ્થાન પામ્યું હતું જ્યારે કેટલાક પ્રાણીઓ નજીકના સૈન્યની છાવણી માટે દૂધ પુરું પાડવામાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. અહીં ખોરાક અને પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ ઉત્પાદન માટે તેમની ક્ષમતા એજ સમયે સ્પષ્ટ થઈ હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનમાં ઘણા પ્રજનન ટોળાં ભેગા થયા હતાં. જ્યારે શુષ્ક ગોચર પર છોડવામાં આવે છે ત્યારે દૂધ ઉત્પાદન આશરે ૧૧૩૫ કિલોગ્રામ હોય છે, જ્યારે તે પ્રાણીઓ ગામોમાં જાળવવામાં આવે ત્યારે સરેરાશ ૧૯૮૦ કિલોગ્રામ દૂધ આપે છે.

ભારત અને વિદેશમાં, આ પશુઓને થરપારકર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે સિંધ પ્રાંતમાં તે નામના જિલ્લામાંથી આવેલ છે. થરપારકર, જોકે, તેના પોતાના ક્ષેત્રમાં અલગ રીતે ઓળખાય છે. તેના મૂળ પ્રદેશ અને તેના પાડોશી વિસ્તારોમાં, થરના રણના પરથી, જાતિને થરી કહેવામાં આવે છે; અને તે ક્યારેક ક્યારેક કચ્છી તરીકે પણ ઓળખાય છે, કારણ કે જાતિ કચ્છની સરહદો પર પણ મળી આવે છે, જે દક્ષિણમાં થરપારકરને જોડે છે. તે પછી, ભૂતકાળમાં, આ ઢોરને સફેદ અથવા ભૂખરી સિંધી તરીકે ઓળખવામાં આવતાં હતાં, કેમ કે તેઓ સિંધ પ્રાંતના વતની છે અને કદમાં લાલ સિંધીને સમાન હોય છે: આ નામ, જોકે, હવે ઉપયોગમાં લેવામાં આવતું નથી. થરી એક સમાન જાતિ નથી, પરંતુ તે કાંકરેજ, લાલ સિંધી, ગીર અને નાગોરી જાતિઓનો પ્રભાવ ધરાવે છે.

એવું માનવામાં આવે છે કે લાક્ષણિક થરી પશુઓ ઉમરકોટ, નૌકોટ, ધોરો નારો, છોર, મીઠી, ઇસ્લામકોટ અને ખારી ગુલામ શાહની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ જોધપુર, જૈસલમેર અને કચ્છના નજીકના ભારતીય રાજ્યોમાં પણ ઉત્પન્ન થયેલ છે. થરપારકર સામાન્ય રીતે માલધાર તરીકે ઓળખાતા વ્યવસાયિક સંવર્ધકો દ્વારા ૫૦ થી ૩૦૦ પશુઓના ટોળાંમાં રાખવામાં આવે છે. તેઓને શરમાળ અને જંગલી બનતાં અટકાવવા માટે લોકોના રોજિંદા સંપર્કની જરૂર પડે છે. થરપારકર ગાયની ઊંચાઇ ૧૩૮ સે.મી. અને સરેરાશ વજન ૪૦૮ કિલોગ્રામ હોય છે.

થરપારકર જાતિના પશુઓની લાક્ષણિકતાઓ

થરપારકર જાતિના સરેરાશ પ્રાણીઓ ઊંડા, મજબૂત બાંધાના, મધ્યમ કદના, સીધા હાથ-પગ અને સારા પગની સાથે, તથા ચપળ અને સ્થિતિસ્થાપક હોય છે. જો પ્રાણીઓ વારંવાર સંભાળવામાં આવતા ન હોય તો તેમ તેઓ જંગલી અને દુષ્ટ બનતાં જાય છે.

આ પશુઓનો સામાન્ય રંગ સફેદ અથવા ભૂખરો હોય છે. નરમાં, ભૂખરો રંગ વધારે ઘાટ્ટો થઈ શકે છે, ખાસ કરીને આગળ અને પાછળના પગમાં. કરોડરજ્જુ અને પાછળના ભાગે આછી ભૂખરી પટ્ટીઓ હોય છે. શિયાળાના મહિનાઓ દરમિયાન જ્યારે ગાયો ગર્ભવતી હોય ત્યારે તેમનો રંગ વધારે ઘાટ્ટો થાય છે. થરીના માર્ગમાં, સફેદ અને ભૂખરા શરીર રંગ ઉપરાંત, લાલ સિંધી અને ગીરના પ્રભાવને લીધે કાળો અને લાલ અથવા સંયુક્ત રંગ જોવા મળે છે. માથુ મધ્યમ કદનું, કપાળ પહોળું અને સપાટ તથા આંખો ઉપર સહેજ બહિર્ગોળ હોય છે: શિંગડાં અને ચહેરાનો આગળનો ભાગ એક સપાટી પર હોય છે. આંખો વચ્ચેની ચામડી ઘણી વખત કરચલીવાળી હોય છે, જે ઊભી લીટીએ ચાલતી હોય છે. આંખો સંપૂર્ણ અને તેજસ્વી હોય છે. આંખની કીકી કાળી હોય છે અને પોપચા પર કાળા રંગની નાની કોર હોય છે.

કાન થોડા લાંબા, પહોળા અને અર્ધ-લટક્તા અને ચહેરા તરફ આગળ હોય છે. શિંગડાં ધીમે ધીમે નીચેની અને બહારની તરફ સમાન લીટીમાં વળેલાં હોય છે. વાળ સાથે ત્વચાનો એક નાનો ભાગ શિંગડાંના પાયા પર ફેલાયેલો છે. નરમાં માદાઓ કરતાં શિંગડાં જાડા, ટૂંકા અને કડક હોય છે.

નરમાં ખૂંધ સામાન્ય રીતે સારી રીતે વિકસિત, નરમ અને ધડથી આગળના ભાગે ગોઠવાયેલ હોય છે. ગળાની ગોદડી મધ્યમ કદની હોય છે તથા ત્વચા સુંદર અને સૌમ્ય હોય છે. નરમાં શીથ મધ્યમ લંબાઈની અને અર્ધ લટકતી હોય છે. માદાઓમાં નાભિનો ભાગ આગળ પડતો હોય છે. તેમનું કદ જુદું-જુદું હોય છે. ખભા હળવા અને પગ તુલનાત્મક રીતે ટૂંકા હોય છે, પરંતુ શરીરના સારા પ્રમાણમાં હોય છે. ખરીઓ સખત અને કાળી, મધ્યમ કદની અને પાછળની તરફ વળવાનું કોઈ વલણ હોતું નથી.
થરપારકર બુલ

ચામડીનો રંગ કાળો હોય છે, સિવાય કે બાવલાના ભાગે, પેટ નીચે, ગળાની ગોદડીના નીચલા ભાગ પર અને કાનની અંદર જ્યાં તે સમૃદ્ધ પીળો હોય છે. વાળ સુંદર, ટૂંકા અને સીધા હોય છે, પરંતુ નરમાં તે કપાળ પર થોડાક વાંકડિયા હોય છે.

થરી પશુઓ ઘણા ઉષ્ણકટિબંધીય રોગો પ્રત્યે ખૂબ સખત અને પ્રતિકારક હોવાનું માનવામાં આવે છે પરંતુ ચોક્કસ પુરાવાનો અભાવ છે. જોકે આ જાતિના પ્રાણીઓ ઉત્તમ ચારકો હોય છે તથા આબોહવા અને પર્યાવરણીય પરિસ્થિતિઓના કઠોર વલણોમાં પણ ઉભા રહી શકે છે, તેમનો મુખ્યત્વે માંસના સ્ત્રોત તરીકે ઉપયોગ થતો નથી, અને સંવર્ધકોએ માંસના ગુણો પર ઓછું ધ્યાન આપ્યું છે.

સંદર્ભ

 1. http://www.ansi.okstate.edu/breeds/cattle/tharparkar/index.html/
 2. http://www.roysfarm.com/tharparkar-cow/


અનુવાદક

ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત