સાહિવાલ ગાય

મૂળ ઉત્પત્તિ અને વિતરણ

સાહિવાલ જાતિના પશુઓને મુખ્યત્વે દૂધના ઉત્પાદન માટે ઉછેરવામાં આવે છે. તેનું મૂળ ઉત્પત્તિસ્થાન પાકિસ્તાન-પંજાબના મધ્ય અને દક્ષિણ ભાગોમાં, મુખ્યત્વે મોન્ટગોમેરી(જે હવે સાહિવાલ તરીકે ઓળખાય છે) અને ઓકરા જિલ્લાઓમાં શોધી શકાય છે. ભારતમાં સાહિવાલ હરિયાણા રાજ્યના રોહતક, કરનાલ, હિસાર, ગુરગાંવ જિલ્લાઓ, દિલ્હીના સંમિલન પ્રદેશોમાં અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં મળી શકે છે. આ ક્ષેત્ર એક ઉપઉષ્ણકટિબંધીય અને શુષ્ક આબોહવા દ્વારા વર્ગીકૃત થયેલ છે. તેમ છતાં તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ જાતિ પ્રારંભિક દિવસોમાં કેવી રીતે વિકસાવવામાં આવી તે સમજાવવા માટે કોઈ અધિકૃત નોંધણી ઉપલબ્ધ નથી. એવું માનવામાં આવે છે કે તે વિવિધ જાતિઓના ઓલાદોનું મિશ્રણ છે જેઓએ દક્ષિણ ભારત, પાકિસ્તાનના ઉત્તર અને અફઘાનિસ્તાનના આજુબાજુના પ્રદેશમાંથી સ્થળાંતર કરેલ છે. ગીરની જાતિ સાથે દેખીતી સમાનતા ધરાવે છે, તેથી તેને સાહિવાલ પશુઓના માતાપિતા તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં સાહિવાલના સંવર્ધન ટોળાઓ દેશના ઉત્તરીય ભાગોમાં મોટેભાગે વિવિધ સંસ્થાઓ અને લશ્કરી ખેતરો સુધી મર્યાદિત છે. તેઓ કર્નાલ ખાતે રાષ્ટ્રીય દૂધ-સંઘ સંશોધન સંસ્થામાં શ્રેષ્ઠ જાણીતા છે. એક સહકારી સંતાન પરીક્ષણ કાર્યક્રમની સ્થાપના ૧૯૮૨/૮૩માં ૯ સંસ્થાકીય ટોળાઓ વચ્ચે કરવામાં આવી હતી. આ ખેતરોમાં આશરે ૯૦૦ ગાયો છે અને યોજના અનુસાર ૬-૮ યુવાન આખલાઓ દરેક ટોળાંમાં હોય છે, જેમાં એક અથવા બે સંતાન પરીક્ષણ દ્વારા પસંદ કરવામાં આવશે. ઉત્તર ભારતમાં સાહિવાલ-એચએફ સંકર(ફ્રાઇસવાલ તરીકે પણ ઓળખાય છે) સુધરેલ ઉત્પાદકતા અને પ્રજનનક્ષમતા માટે શોધી કાઢેલ છે.

શારીરિક લાક્ષણિકતાઓ

સાહિવાલ પશુઓ લાંબા, માંસવાળા અને સપ્રમાણ શરીર અને ઢીલી ત્વચા સાથે ભરાવદાર હોય છે, જ્યારે લાલ સિંધીની સરખામણીમાં મળતાં આવે છે. ગાયના પરિપક્વ વજન આશરે ૩૪૦-૪૦૦ કિલો અને આખલા ૭૦૦ કિલોના હોય છે. તેઓ રંગે લાલ અથવા આછા લાલ હોય છે, જે ક્યારેક સફેદ ડાઘાથી ચમકતાં હોય છે. મોઢા અને આંખો આછા રંગના હોય છે. ચામડીનો રંગ લાલાશ ભૂરા રંગથી લઈને વધુ મુખ્ય લાલ રંગનો હોય છે, જેમાં ગરદન પર સફેદ જથ્થામાં વિવિધ રેખાઓ હોય છે. નરમાં છેડાના અંગો જેવા કે માથા, પગ અને પૂંછડીનો રંગ ઘાટો હોય છે. આખલામાં વિશાળ, ભારે ખૂંધ હોય છે જે અવારનવાર એક તરફ નમેલી હોય છે.

નરની ઊંચાઈ ૧૩૬ સે.મી. આસપાસ હોય છે જ્યારે માદાની ઊંચાઈ ૧૨૦ સે.મી. હોય છે. આ પ્રાણીઓમાં માથું નાનું સાથે સાથે લાંબા, સાંકડા ચહેરા જ્યાંથી નાના અને થોડા અંશે સમસ્તરીય શિંગડા ઉગે છે, જે લાંબા અને ઉપર તથા અંદરની તરફ વળેલાં હોય છે. ગાયમાં શિંગડા ખૂબ જ ટૂંકા, જાડા અને ઢીલા હોય છે. પગ મજબૂત અને લાંબા હોવાની સાથે સારા આકારની ખરીઓ વાળા હોય છે. પૂંછડી પાતળી અને ટૂંકી હોય છે. ગાયમાં બાવલું સુવિકસિત આંચળો સાથે સારી રીતે વિકસિત હોય છે. અન્ય દેશી ગાયની તુલનામાં, વાછરડાઓ ખૂબ જ વહેલા દૂર થઈ જતા હોય ત્યારે પણ તુલનાત્મક રીતે સરળ રીતે દૂધ આપે છે. આ ઘણા વર્ષોથી થતી પસંદગીના કારણે છે. ગાયમાં મોટુ, કેટલીક વખત લટકતું બાવલું અને મોટા આંચળો હોય છે. શીથ એકદમ લટકતી હોય છે અને ગળાની ગોદડી પણ મોટી અને ભારે હોય છે. નર સામાન્ય રીતે કામમાં સુસ્ત હોય છે અને તેમને ધીમા સંવર્ધકો માનવામાં આવે છે.

વૈશ્વિક વિતરણ

સાહિવાલને ભારતીય ઉપખંડની શ્રેષ્ઠ દૂધ-ઉત્પાદક-જાતિ ગણવામાં આવે છે. ઊંચી ઉત્પાદકતા, ગરમી સહનશીલતા, ઇતરડીઓ પ્રત્યે પ્રતિકાર, આંતરિક પરોપજીવીઓ પ્રત્યે પ્રતિરોધક અને કાર્યક્ષમ ખોરાક રૂપાંતર જેવા ઇચ્છનીય ગુણો આંતરરાષ્ટ્રીય સ્તરે આ જાતિના ફેલાવા તરફ દોરી ગયા છે. સાહિવાલ જાતિ ઑસ્ટ્રેલિયામાં ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં ન્યુ ગિનીમાં આવી હતી જ્યાં તેનો પ્રારંભમાં ઉપયોગ દ્વિ ઉદ્દેશીય હેતુ ધરાવતી જાતિ તરીકે કરવામાં આવ્યો હતો. તેણે બે ઓસ્ટ્રેલિયન ઉષ્ણકટિબંધીય ડેરી જાતિઓ, ‘ઑસ્ટ્રેલિયન મિલ્કિંગ ઝેબુ (એએમઝેડ)’ અને ‘ઓસ્ટ્રેલિયન ફ્રિસિયન સાહિવાલ (એએફએસ)’ ના વિકાસમાં મૂલ્યવાન ભૂમિકા ભજવી હતી. સાહિવાલ પશુઓ હવે મુખ્યત્વે ઑસ્ટ્રેલિયામાં માંસના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે, યુરોપિયન જાતિઓ સાથે ઉચ્ચ મૂલ્યવાળા સાહિવાલ નરનું સંકરણ કરવાથી, ઇચ્છનીય ચરબીના થરવાળા પાતળા ગુણવત્તાના શબને ઉત્પન્ન કરાયું હતું. ગ્રામીણ વિકાસમાં સાહિવાલનો ફાળો અને અનુકૂલન એ કેન્યા, શ્રીલંકા, જમૈકા, ગુઆના, બુરુન્ડી, સોમાલિયા, સીએરા લિઓને, નાઇજિરીયા અને આફ્રિકાના ઘણા પર્યાવરણીય ક્ષેત્રો, વેસ્ટ ઇન્ડિઝ અને ઘણા લેટિન અમેરિકન દેશોમાં સારી રીતે દસ્તાવેજીકૃત થયેલ છે. સાહિવાલ અને જર્સી સંકરનો ઉપયોગ કરીને ‘જમૈકા હોપ’ નામની નવી જાતિનો વિકાસ થયો છે. ઘણા દેશોમાં સાહિવાલ અને બોસ વૃષભ સંકરમાં દૂધની ઊંચી ઉત્પાદકક્ષમતા અને ગોમાંસ ઉત્પાદન જોવા મળ્યું છે પરંતુ સ્થાનિક ગરમ વાતાવરણમાં અનુકૂલનક્ષમતા એ એક મોટો અવરોધ છે.

કમનસીબે, ઘણા દેશોમાં સાહિવાલ વસ્તી થોડા આયાત કરેલા આખલા અને ગાયોમાંથી લેવામાં આવી છે. ઉદાહરણ તરીકે, કેન્યામાં પ્રવર્તમાન સાહિવાલ વસ્તી ૧૯૩૯ અને ૧૯૬૩ ની મધ્યમાં બિહારના પુસામાંથી પ્રાપ્ત થયેલ ૬૦ જેટલા આખલા અને ૧૨ ગાયની સંતાનો છે, જે નોંધપાત્ર પ્રજનન સૂચવે છે. કેન્યા એ બોસ ઇંડિકસ પશુઓનો મુખ્ય ભંડાર છે અને સાહિવાલ એ ખંડ માટે જથ્થા અને વીર્યનો મુખ્ય અને મહત્વપૂર્ણ સ્રોત છે. કેન્યામાં, રાષ્ટ્રીય સાહિવાલ તબેલાની સ્થાપના ૧૯૬૨માં નૈવાશામાં કરવામાં આવી હતી અને તેના આનુવંશિક ગુણો બંનેને અપરિચિત સ્થાનિક પશુના મૂલ્યાંકન માટે અને યુરોપિયન જાતિઓ સાથે સંકરણ માટે શુદ્ધ જાતિ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ સંવર્ધન કાર્યક્રમમાં સાહિવાલ આખલાનો ઉપયોગ એચએફ ગાય અથવા સ્થાનિક બિન વર્ણનાત્મક આનુવંશિક ગાય સાથે સંકરણ કરવા માટે ઉપયોગમાં આવે છે. આફ્રિકન દેશોમાં સાહિવાલ એ મિશ્ર દેશી-યુરોપિયન વંશના મોટાભાગની નવી જાતિઓ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

દૂધ ઉત્પાદન અને પ્રજનનક્ષમતા

બધી દેશી જાતિઓમાં, સાહિવાલમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક હોવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે, ત્યારબાદ લાલ સિંધી અને બુટાના જાતિઓ આવે છે. વાછરડાને દૂધ પીવડાવવાની સાથે ગાય સરેરાશ ૨૨૭૦ કિલોગ્રામ દૂધ આપે છે. ભારતમાં સામાન્ય રીતે સાહિવાલ ગાયોમાં દૂધની ઉપજની નોંધ ૧૪૦૦ થી ૨૫૦૦ કિલો વચ્ચેની મર્યાદામાં ૨૬૦-૩૦૦ દિવસની લંબાઈની અવધિ સાથે કરવામાં આવી છે. ભારતમાં અને પાકિસ્તાનમાં ૭૦-૨૦૦ દિવસની વચ્ચે ટૂંકા દૂધ-ઉત્પાદનની લંબાઈ આ જાતિ સાથે એક સામાન્ય સમસ્યા હોવાનું નોંધાયું છે. પ્રથમ વિયાણની ઉંમર ૩૭ થી ૪૮ મહિનાની હોય છે અને ૪૩૦ થી ૫૮૦ દિવસ સુધીનો બે વિયાણ વચ્ચેનો સમયગાળો હોય છે. પાકિસ્તાની સાહિવાલ ગાયોમાં પ્રથમ વિયાણની ઉંમર અને બે વિયાણ વચ્ચેનો સમયગાળો અનુક્રમે ૩૭ થી ૪૫ મહિના અને ૩૯૦ થી ૪૯૦ દિવસોનો હોવાનું નોંધાયું છે.


અનુવાદક

ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત