વાછરડાં-પાડીઓનો શારીરિક વિકાસ

વાછરડાં-પાડીઓનો શારીરિક વિકાસ

સારી માવજત અને ખોરાક મળે તો વાછરડાં-પાડીઓ ઝડપી વૃદ્ધિ પામી સમયસર ગરમીમાં આવી ફળી શકે છે. તેઓનું સમયસર વહેલું વિયાણ થવાથી જીવનકાળ દરમિયાન આપણને વધુ વેતર દૂધ મળે છે અને વધારે બચ્ચાં મળે છે. જે આપણને સરવાળે નફાકારક થાય છે. વાછરડી-પાડીઓનો શારીરિક વિકાસ છ માસની ઉંમર સુધી વધારે ઝડપી હોય છે. ત્યારબાદ બારેક માસની ઉંમર સુધી તેનો વિકાસ દર સંતોષકારક હોય છે. મોટી ઉંમરે વૃદ્ધિદર ઘણો ધીમો રહે છે. આથી વાછરડી-પાડીઓની નાની ઉંમરે ખોરાક અને માવજતમાં કાળજી લેવાથી તેમનો શારીરિક વિકાસ ફાયદાકારક રીતે વધારી શકાય છે.

ત્રણેક માસ સુધી વાછરડાં-પાડીઓનું પ્રથમ જઠર (રૂમેન) વિકસેલ નહીં હોવાથી દરરોજ ઉત્તમ પ્રકારનો ચારો પેટ પૂરતો આપવો. આ માટે કઠોળ વર્ગનો ચારો જેવા કે લીલો કે સુકવેલ રજકો અથવા લીલા ચોળા અને ધાન્ય વર્ગનો ચારો જેવા કે લીલા કુમળા ઓટ અગર મકાઇ આપી શકાય. વાછરડું જેટલું વહેલું દાણ અને ચારો ખાતું શીખશે તેટલું વહેલું રૂમેન વિકસશે. રુમેન ઘાસચારાના અને દાણના પાચન માટે ખાસ જરૂરી છે.

રુમેનનો વિકાસ થતાં દૂધ પીવડાવવાનું ઘટાડી શકાય અને વહેલું બંધ કરી શકાય. આમ વાછરડાં-પાડીઓના રૂમેનનો વિકાસ થતાં દૂધ પીવડાવવાનું ઘટાડી શકાય અને વહેલું દાણ અને ઘાસ આપવાં. જરૂર પડે એકાદ માસની ઉંમરે તેની માનો વાગોળ થોડા પ્રમાણમા વાછરડાં-પાડીઓના મોંમાં મૂકી શકાય. આમ કરવાથી રૂમેનના વિકાસ અને કાર્યમાં જરૂરી સૂક્ષ્મ જીવાણુંઓ તેને મળી રહેશે.

વાછરડાં-પાડીઓ ત્રણેક માસની ઉંમર પછી પૂરતો ચારો અને દાણ ખાઈ જરૂરી પોષકતત્વો મેળવી શકે છે અને દૂધનો બચાવ કરી શકાય તેમ છે. ત્રણેક માસ પછી વાછરડાં-પાડીઓને ઉંમર પ્રમાણે માથાદીઠ દૈનિક ૫૦૦ ગ્રામથી ૧ કિલોગ્રામ દાણ કે કાફ સ્ટાર્ટર આપવું. વળી એમને ઉત્તમ મિશ્રચારો પેટ પૂરતો મળશે તો તેમનો શારીરિક વિકાસ સારો થશે. છ માસ પછી કાફ સ્ટાર્ટર આપવાની બિલકુલ જરૂરી નથી.

વાછરડાં-પાડીઓનો ઝડપી વિકાસ થતો હોઇ તેમજ માંસપેશીઓમાં ઘણું પાણી હોવાથી એમને દરરોજ બે-ત્રણ વખત પેટ પૂરતું સ્વચ્છ, તાજું પાણી પીવડાવવું. જો બચ્ચાં એની મા થી અલગ રાખી ધવડાવ્યા વિના ધાવણ છોડાવવાની પદ્ધતિથી ઉછેરતાં હોય તો, એમને પીવા માટે પાણી છૂટથી મળે તે ખાસ જરૂરી છે.

વાછરડાં-પાડીઓને એક માસની ઉંમર સુધી અલગ અલગ રાખવાં. એક માસની ઉંમર પછી એમને સમૂહમાં ઉછેરી શકાય. જરૂર પડે તો વાછરડાં-પાડીઓના બે-ત્રણ સમૂહ પ્રમાણે પાડવાં. જેથી મોટા બચ્ચાં નાનાં બચ્ચાને ખાતાં-પીતાં કે આરામ કરતી વખતે હેરાન કરે નહીં. જો વાછરડાં-પાડીઓ સમૂહમાં ઉછેરતાં હોય તો, દૂધ પીવડાવવાના સમયે સવાર-સાંજ એક એક કલાક અલગ અલગ બાંધી દૂધ પીવડાવવું. દૂધ પીવડાવ્યા પછી એમનું મોં નાક વગેરે બરોબર ધોઈ ચોખ્ખાં કરી લેવાં.


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત