દેઓની ગાય

દેઓની મહારાષ્ટ્રના મરાઠાવાડાના લાતુર, નંદેદ, ઉસ્માનાબાદ જીલ્લાની પ્રખ્યાત ભારતીય ગાયની જાતિ છે. લોક સાહિત્યમાંથી તે સ્પષ્ટ છે કે મુસ્લિમ અબ્દુલ રહેમાન, બોમ્બે રાજ્યના તત્કાલિન પશુપાલન નિયામક, આ જાતિના દસ્તાવેજીકરણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા. તે વિસ્તારના ખેડૂતો દ્વારા પસંદિત એક મહત્વપૂર્ણ દ્વિ-હેતુ ધરાવતી જાતિ છે. દેઓની તેલંગાણા અને કર્ણાટક રાજ્યોના નજીકના જિલ્લાઓમાં પણ ફેલાયેલી છે. દેઓની ગાય તેમના સંવર્ધનની દ્રષ્ટિએ સખત અને અનુકૂળ હોય છે તથા નર તેમના દેખાવ અને ભારવાહન કાર્ય માટે વધુ સારી કિંમત ઉપજાવે છે. એફ-૧ અને એચએફના સંકરણ દ્વારા પેદા થતી ઓલાદ એ સારું દૂધ ઉત્પાદન આપ્યું છે.

મૂળ ઉત્પત્તિ

દેઓની, લાતુર જીલ્લાના દેઓની તાલુકા પરથી ઉતરી આવ્યું છે, તેને ‘ડોંગરી’ / ‘ડોંગરપતિ’ (“ટેકરીઓ”), સુરતી અથવા ડેકકાની તરીકે પણ ઓળખવામાં આવે છે, જોકે સત્તાવાર માન્યતા નામ દેઓની છે. આ જાતિ ફક્ત છેલ્લા બે સદીમાં જ વિકસિત થઈ છે. માથા, કાન અને શિંગડામાં ગીર જેવી શારીરિક સમાનતા તથા ચામડી અને પગ ડાંગી જેવી શારીરિક સમાનતા સૂચવે છે કે તે મિશ્રણ છે, જે કાળજીપૂર્વક સ્થાનિક, ગીર અને ડાંગી જાતિઓમાંથી ઉછેરવામાં આવેલ છે.

શારીરિક લાક્ષણિકતાઓ

દેઓની શારીરિક માળખામાં ગીર ગાયની જાતિની જેમ મધ્યમ કદનું પ્રાણી છે. પ્રાણીઓ ત્રણ રંગ વૈવિધ્યતામાં જોવા મળે છે; વેન્નેરા (ચહેરાના બાજુઓ પર કાળો રંગ સાથે સ્પષ્ટ સફેદ), બાલંક્ય (શરીરના નીચલા બાજુ પર કાળી ટીપકીઓ સાથે સ્પષ્ટ સફેદ) અને શેવેરા (અનિયમિત કાળો ટીપકીઓવાળા સાથે સફેદ શરીર). આ ભિન્નતામાં ભૌગોલિક વિતરણ સ્થાનિક સંવર્ધકની પસંદગી સૂચવે છે. શરીર પ્રમાણમાં વિકસિત અને મજબૂત વ્યાખ્યાયિત સ્નાયુઓ સાથે સપ્રમાણ હોય છે. માથું મોટું, પુરૂષવાચી, સચેત, પહોળું અને સહેજ સંક્ષિપ્ત હોય છે. કપાળ તમામ જાતોમાં આગળ પડતું, પહોળું, સહેજ ગોળ અને સફેદ હોય છે; કાન લાંબા અને સહેજ વળાંકવાળા અણીઓ સાથે ઢળતા રહેતાં હોય છે; શિંગડા મધ્યમ, જાડા, છૂટા હોય છે અને માથાની બાજુઓથી બહાર આવે છે; શિંગડાની અણીઓ બુઠ્ઠી હોય છે; અને આંખો કાળા ભમર સાથે આગળ પડતી, તેજસ્વી અને ચપળ હોય છે. દેઓની નર પ્રાણીઓમાં લાક્ષણિક ઢોળાવવાળી ખૂંધ હોય છે, જ્યારે માદાની ખૂંધ નાની હોય છે. ગરદન ટૂંકી, મજબૂત અને સારી રીતે વિકસિત હોય છે. ગાળાની લટકતી ગોદડી જાડી, ઝૂલતી અને વળ સાથે સ્નાયુબદ્ધ હોય છે. માદા કરતાં નરમાં તે વધુ ઝૂલતી હોય છે. છાતી ઊંડી અને વિશાળ હોય છે. આ જાતિના પ્રાણીઓની ચામડી જાડી અને શરીરથી ઢીલી રીતે જોડાયેલી છે. ગાળાની લટકતી ગોદડી અને છૂટક ત્વચા આ પ્રાણીઓને પૂરતી ગરમી સહનશીલતા પ્રદાન કરે છે. પૂંછડી કાળી અને સફેદ કેશવાળી સાથે ઘૂંટણની નીચે સુધી પહોંચે છે. આંચળ સારી રીતે જોડાયેલ અને કદમાં મધ્યમ ચોરસમાં ગોઠવાયેલ હોય છે. નર એક સારા કદના કાળા વૃષણ ધરાવતાં હોય છે. પ્રાણીઓ વિનમ્ર અને શાંત સ્વભાવના હોય છે. વાળ કોમળ અને ટૂંકા હોય છે. ખરીઓ સારી રીતે બનાવેલ આકારની અને કાળા રંગની કાળા કપાસ જમીન માં ભારવાહન માટે યોગ્ય હોય છે. શરીર વિશાળ અને નોંધપાત્ર ઊંડાઈ ધરાવતું તથા તાકાતનો દેખાવ આપતું હોય છે.

ઉત્પાદનક્ષમતા અને પ્રજનનક્ષમતા

દેઓની ગાય પાકના અવશેષો પર સરેરાશ દરરોજ આશરે ૨-૩ કિલો દુધ ઉત્પન્ન કરે છે, જ્યારે ઉચ્ચ દુધ ઉત્પાદન સંસ્થાકીય પશુઓમાં સંતુલિત ખોરાક પર જાળવેલ ટોળામાં જોવા મળેલ છે. સરેરાશ દુધનું ઉત્પાદન ૪૦૦ થી ૬૦૦ કિલોગ્રામ છે જેમાં ચરબીની ટકાવારી ૪.૫ થી ૫.૫ ટકાની આસપાસ હોય છે. ક્ષેત્રની પરિસ્થિતિઓ હેઠળ પ્રથમ વિયાણની ઉંમર ૩૭ થી ૪૨ મહિના હોય છે જયારે બે વિયાણ વચ્ચેનો ગાળો ૧૬ થી ૧૮ મહિનાની વચ્ચે હોય છે. એચએફ સાથે સંકર-સંવર્ધનના પરિણામે ઉચ્ચ દુધ ઉત્પાદક એફ-૧ ગાય મળે છે જેના ફળદ્રુપતા પરિમાણો સુધારેલા હોય છે. થોડા પ્રાણીઓમાં ટૂંકી દુધ ઉત્પાદન અવધિ એક સામાન્ય સમસ્યા છે જેને પસંદગીયુક્ત સંવર્ધન દ્વારા દુર કરવી જોઇએ.


અનુવાદક

ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત