સગર્ભા વોડકી-પાડીઓનો ખોરાક અને માવજત

 જો આપણે સારી આનુવંશિકતા ધરાવતાં વાછરડાં-પાડીઓ મેળવી શકીએ તથા આપણી પાસે પૂરતાં ખોરાક, પાણી, સાધન સામગ્રી, રહેઠાણ અને અન્ય સગવડ હોય તો, વાછરડાં-પાડીઓના ઉછેરમાં વધુ સારાં પરિણામ અવશ્ય મેળવી શકીએ.

સરેરાશ રીતે ગાયોમાં ૨૮૫ દિવસો અને ભેંસોમાં ૩૧૦ દિવસોનો ગર્ભકાળ હોય છે. ગર્ભકાળના ત્રીજા ભાગમાં ગર્ભનો વિકાસ ખૂબ ઝડપી થતો હોય છે. વળી આ સમયગાળા દરમિયાન ઉછેરતાં સગર્ભા વોડકી તથા પાડીઓના પોતાના શરીરનો પણ વિકાસ ચાલુ હોય છે, તેથી એમને સારો સમતોલ આહાર મળવો જરૂરી હોય છે. એમને મિશ્ર પ્રકારનો ઘાસચારો કે જેમાં ખાસ તો લીલો અને કઠોળ વર્ગનો ચારો પણ હોય તેવો મળવો જોઈએ. તેમણે દરેકને ૧.૫ થી ૨.૫ કિલોગ્રામ દાણ માથાદીઠ ચારાની ગુણવત્તાને ધ્યાનમાં લઈ આપવું પડે. એમને દૈનિક ૩૦ થી ૩૫ ગ્રામ ક્ષાર-મિશ્રણ મળે તો પેટમાંના બચ્ચાંનાં હાડકાંનો વિકાસ અને માતાનાં હાડકાંની જાળવણી બંને સારા થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન સારું પોષણ મળે તો વોડકીઓ અને પાડીઓ વિયાણ વખતે સારી શારીરિક સ્થિતિ અને ચરબીનો સંગ્રહ ધરાવશે. જે વિયાણ પછી વધારે દૂધ ઉત્પાદન આપવામાં જરૂરી પોષકતત્વો ખાસ કરીને શક્તિદાયક તત્વો પાછળ ખર્ચવામાં મદદરૂપ છે.

સગર્ભા વોડકી-પાડીઓને નિયમિત કસરત મળવી જોઈએ. પૂરતી કસરત( હરવા-ફરવા)ના અભાવે ઘણીવાર વિયાણ વખતે અને વિયાણ પછી થોડી અડચણો પડે છે. સગર્ભા પશુને આરામદાયક, હવા-ઉજાસવાળું, પરોપજીવીમુક્ત અને ઠંડી-તડકા-વરસાદથી રક્ષણ કરે તેવું રહેઠાણ મળવું જરૂરી છે. વિયાણ વખતે પૂરતી સ્વચ્છતા જાળવી શકીએ તથા કુતરાં-બિલાડાંથી નવજાત બચ્ચાને બચાવી શકીએ તેવી સગવડ રહેઠાણમાં હોય તો સારું. આ માટે વિયાણના અઠવાડીયા પહેલાંથી સગર્ભા પશુને વિયાણ ઘરમાં ફેરવવું.

અગ્રવર્તી સગર્ભા વોડકી-વાછરડીને શક્ય હોય તો બીજા દુઝણા પશુઓ સાથે બાંધવી અને કેળવવી. જેથી એમને દુઝણા પશુનાં ખોરાક, દૈનિક કર્યો, દોહન સમયના હલનચલન અને અવાજો વગેરેથી પરિચિત કરી શકાય. વળી જ્યારે સમય મળે ત્યારે તેને હાથિયો(ખરેખરો) કરવો. પાછળના પગ ધોવા અને તેના આઉ તેમજ આંચળ ઉપર હાથ ફેરવવો. આ બધુ એમને વિયાણ પછી દોહન કર્યા વખતે થતી કામગીરીઓથી પરિચિત કરશે, કેળવશે અને એમનો ગભરાટ દૂર કરશે.

સગર્ભા વોડકી-પાડીઓને ઢાળ ચઢતાં-ઉતરતાં તકલીફ પડે છે, તેવી જ રીતે સાંકડા રસ્તે પસાર થતાં ગર્ભને નુકશાન થવાની સંભાવના છે. બીજા પશુ એમને શિંગડું કે લાત મારી ન જાય તેમ રાખવા કે બાંધવા જરૂરી છે, આપણે પણ એમને મારપીટ કરવી જોઈએ નહીં.