વોડકીઓનું અને પાડીઓનું સંવર્ધન અને સુવ્યવસ્થા

        સ્વદેશી ઓલાદની ગાયોની વોડકીઓ અને ભેંસોની પાડીઓ બે થી અઢી વર્ષની ઉમરે કે તે પછી સંવર્ધન માટે પુખ્ત બને છે અને ગરમીમાં આવે છે. પરદેશી દુધાળ ઓલાદો સાથે સંકરણ કરી પેદા થયેલી શંકર વોડકીઓ, સંકરણમાં જે પરદેશી ઓલાદ વાપરી હોય તે અનુસાર અને પરદેશી ઓલાદના લોહીના પ્રમાણ અનુસાર ૧૫ થી ૨૧ માસની ઉમરે ગરમીમાં આવે છે. આથી ઉમર પ્રમાણે જે તે પ્રકારના જાનવરો અનુસાર એમને ગરમીમાં આવવાની ઉમર થાય તે પહેલાંથી જ તેમનું આ માટે અવલોકન કરીને તપાસ રાખવાની વ્યવસ્થા કરવી.

        જો વોડકીઓ અને પાડીઓનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થયો હોય તો દેશી ઓલાદની ગાયો-ભેંસોની વોડકીઓ-પાડીઓ લગભગ ૩ વર્ષની ઉમરે, શંકર વોડકી ૨.૫ થી ૩ વર્ષની ઉમર દરમિયાન અને પરદેશી ગાયોની વોડકીઓ જે તે ઓલાદ પ્રમાણે ૨ થી ૨.૫ વર્ષની ઉમર દરમિયાન વિવાય એ રીતે એમનું સંવર્ધન કરાવવું. સામાન્ય રીતે જે વોડકીઓ પ્રથમવાર મોડી ઉમરે વિવાય છે, તે પ્રથમ વેતર દરમિયાન વધુ પ્રમાણમાં દૂધ આપે છે, પણ જે વોડકીઓ ઉપર પ્રમાણે સામાન્ય ઉમરે વિયાયી હોય તેમનું દૂધ ઉત્પાદન લાંબાગાળે, તે કરતા મોડી ઉમરે વિયાતી વોડકીઓ કરતા વધુ હોય છે.

        જે વોડકીઓ અને પાડીઓ  એમની ઓલાદના પ્રકાર પ્રમાણે ઉપરોક્ત ઉમર વીતી ગયા છતાં ગરમીમાં ના આવતી હોય, તો તેમની પશુચિકિત્સક પાસે તપાસ કરાવવી અને આવશ્યક ઈલાજો કરાવવા. તદુપરાંત, ગરમીમાં આવેલી વોડકીઓ અને પાડીઓનું સગવડ અનુસાર કુદરતી રીતે કે કૃત્રિમ બીજદાનથી સંવર્ધન કરાવવું. જો પશુઓની સંખ્યા વધુ હોય, તો ગરમીમાં આવેલ પશુઓને ઓળખી કાઢવા અને તેમનું સંવર્ધન કરાવવું.

        ગરમીમાં આવેલી વોડકી સરેરાશ ૧૪-૧૫ કલાક અને ગાય સરેરાશ ૧૭-૧૮ કલાક ગરમીમાં રહે છે. જાનવરોને સગર્ભા કરવામાં વધુમાં વધુ સફળતા પ્રાપ્ત થવા માટે ગરમીના ઋતુકાળની મધ્યથી માંડી ને અંત સુધીમાં સંવર્ધન કરાવવું જોઈએ. ભેંસોમાં ઋતુકાળ ૧૮ થી ૩૬ કલાક લાંબો હોય છે. જો વોડકીઓ અને પાડીઓ સંવર્ધન બાદ ફળી ગઈ હોય અને ત્યારબાદ લગભગ ૨-૩ માસ સુધી ફરી ગરમીમાં ના આવી હોય તો તેમની સગર્ભા હોવા અંગેની ખાતરી કરવા માટે તેમને પશુચિકિત્સક પાસે તપાસાવવી.

        જો વોડકીઓ અને પાડીઓની સંખ્યા વધુ હોય, તો ગરમીમાં આવે તે ઉમર પહેલાની અને ગરમીમાં આવવી શરુ થઇ ફળેલી વોડકીઓ અલગ વાડામાં રાખી શકાય. સંખ્યા ઓછી હોય તો બધી જ વોડકીઓ અને પાડીઓ એકીસાથે એક વાડામાં રાખી શકાય. વોડકીઓ અને પાડીઓ ને રાખવાના વાડામાં એમનું ગરમી, વરસાદ, ઠંડો પવન અને તડકાથી રક્ષણ થાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. વોડકીઓ અને પાડીઓને સ્વચ્છ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.