બાહ્ય પરોપજીવીઓના લીધે પશુઓમાં થતી હાનિકારક અસરો અને તેને અટકાવવાના ઉપાયો

            બાહ્ય પરોપજીવીઓ પોતાનું જીવન પ્રાણીના શરીરના ઉપરનાં ભાગમાં રહીને પસાર કરે છે. બાહ્ય પરોપજીવીઓ અલગ અલગ પ્રકારના જેવા કે ઇતરડી, જૂ, બગાઈ, માખી, ચાંચડ અને બીજા ખરજવું કરતાં જીવો સામેલ હોય છે. આ જીવો પશુના શરીરના બાહ્ય ભાગમાં રહી પ્રાણીનું લોહી ચૂસે છે અને ઘણા રોગોનું વહન પણ કરે છે તથા ઘણા રોગોનો ફેલાવો પણ કરે છે.

            બધા જ પશુઓ પોતાના જીવનકાળ દરમિયાન પરોપજીવી રોગના શિકાર બનતા હોય છે. બાહ્ય પરોપજીવીના કારણે પશુઓને ઘણી તકલીફ વેઠવી પડે છે અને પશુપાલકોને પણ એની તકલીફ ઉઠાવવી પડે છે.

બાહ્ય પરોપજીવીઓના લીધે પશુઓમાં થતી હાનિકારક અસરો:

 • બાહ્ય પરોપજીવી પશુના શરીરનું લોહી ચૂસે છે, જેના લીધે પ્રાણી કમજોર થઈ જાય છે.
 • બાહ્ય પરોપજીવીના કારણે પશુના શરીરની ચામડી પર સતત ખંજવાળ આવ્યા કરે છે, જેના લીધે પશુના વાળ નીકળી જાય છે.
 • ચામડીના સતત ખંજવાળના લીધે પશુનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે.
 • કેટલાક બાહ્ય પરોપજીવીઓ જુદા જુદા રોગનું વહન કરે છે, જેવા કે થાયલેરિયોસીસ, બબેસિયોસીસ, એનાપ્લાઝમોસીસ તથા ટ્રીપેનોઝોમાસીસ રોગ મુખ્ય છે.
 • કેટલાક બાહ્ય પરોપજીવીઓ વિવિધ પ્રકારના અંતઃ પરોપજીવીઓનો પણ ફેલાવો કરે છે.

 

 • બાહ્ય પરોપજીવીઓ પશુઓના ચામડીના રોગ જેવા કે વાળ ખરવા, ખોડીયો અને ખરજવું પણ ઉત્પન્ન કરે છે.
 • કેટલાક બાહ્ય પરોપજીવીઓ જેવા કે ઇતરડી શરીર ઉપર ઝેરી પદાર્થોનો સ્ત્રાવ કરે છે, જેનાથી પશુઓમાં લકવો થવાની શક્યતા વધી જાય છે, જેને ‘ટીક પેરેલાયસીસ’ કહેવામાં આવે છે.
 • પશુ દર્દ, ખરજવું, ખંજવાળ અને બેચેનીના કારણે ઘાસચારો ખાવાનું અને પાણી પીવાનું ઓછું કરી દે છે.

Image result for ectoparasitic infection in desi cow

 • પશુઓની દૂધ ઉત્પાદન કરવાની શક્તિ ઓછી થઈ જાય છે.
 • પશુઓનું વજન ઓછું થઈ જાય છે.
 • પશુઓનો વિકાસ રુંધાઇ જાય છે.
 • પશુઓની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.
 • જો કોઈ પશુપાલકનું પશુ બાહ્ય પરોપજીવીના રોગથી પીડાતું હોય તો તે અન્ય પશુઓમાં પણ રોગનો ફેલાવો કરે છે.

બાહ્ય પરોપજીવીઓને અટકાવવા માટેના ઉપાયો:

 • રોજેરોજ સાફસફાઇ કરવાથી, જમીન ખોદીને માટીને ઉથલપાથલ કરવાથી, માટીમાં કે પાકા ભોયતળિયા પર ચૂનાનો છંટકાવ કરવાથી, ઘાસચારાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાથી વગેરેથી બાહ્ય પરોપજીવીના ઈંડા કે લારવા જીવિત રહેતા નથી અને તેમનો નાશ થાય છે.
 • બાહ્ય પરોપજીવીગ્રસ્ત વિસ્તારમાંથી અલગ કરી અન્ય જગ્યાએ લઈ જવા, કેમ કે બાહ્ય પરોપજીવી પશુના શરીર વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી.
 • પશુના રહેઠાણની આજુબાજુનો ઘાસચારો કે વનસ્પતિને બાળી દેવાથી તેમાં રહેલાં બાહ્ય પરોપજીવીઓનો પણ નાશ થઈ જશે, જેનાથી એમાં વૃદ્ધિ અટકી જશે.
 • બાહ્ય પરોપજીવીઓનો નાશ કરવા માટે પશુના શરીર પર કે પશુરહેઠાણની જગ્યાએ કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે, જેનાથી બાહ્ય પરોપજીવીઓનો ઉપદ્રવ અટકાવી શકાય છે.