બચ્ચાને થતાં પાચનતંત્ર તથા અન્ય રોગોની માહિતી અને ઉપાયો

જન્મ બાદ વિકાસ પામતાં બચ્ચાઓમાં ખીરું કે કરાટું પીવડાવવું તેમજ યોગ્ય માત્રામાં દૂધ અને ખોરાક પૂરો પાડવો જોઈએ. બચ્ચું અઠવાડિયાનું થાય ત્યારે લીલા ઘાસ, પીસેલી મકાઈ કે દાણની શરૂઆત કરવી. પ્રથમ માસમાં ૫૦ થી ૧૦૦ ગ્રામ જેટલું સૂકું ઘાસ કે દાણ બચ્ચાના શરીરના વજનના ત્રણ ટકા પ્રમાણે આપવું. ઘણીવાર આપવામાં આવતાં ખોરાકનું યોગ્ય પાચન ન થવાથી પાચનતંત્રના વિવિધ રોગો થતાં હોય છે. આવા રોગો મુખ્યત્વે નીચે પ્રમાણે જોવા મળે છે;

અરુચિ અને અપચો

બચ્ચાની શારીરિક સ્થિતિ, બીમારી તથા ખોરાક પ્રત્યેની અરુચિ રોગો થવાની શરૂઆત હોય શકે. રસોડાનો બગાડ, સડેલો ઘાસચારો, વધુ પડતું દૂધ કે દાણ ખાવાથી કે ફૂગજન્ય કચરા જેવો ઘાસચારો ખાવાથી બચ્ચાઓમાં અપચો થાય છે. પેટ ફૂલી જાય છે. પેટમાં દુખાવો થાય છે. આવા સંજોગોમાં ખાવાનો સોડા ૧૦ થી ૨૫ ગ્રામ જેટલો પાણીમાં ઓગાળીને કાળજી સાથે પાવો. અન્ય તંદુરસ્ત પશુનો ચાવેલો ખોરાક (વાગોળ ) પણ બચ્ચાને આપવો. સૂંઠ (૨૦ ગ્રામ) તથા ગોળ (૧૦૦ ગ્રામ)ની લાપસી કરી ચટાડવાથી અરુચિમાં ભૂખ ઊઘડે છે.

આફરો

બચ્ચાનાં પેટમાં વધુ પડતો ગેસનો ભરાવો થવાથી અથવા ગેસ બહાર નીકળવાના માર્ગમાં અડચણ આવવાથી ગેસનો પેટમાં ભરાવો થવાથી બચ્ચાનાં ડાબી બાજુના પડખામાં ફુલાયેલ ભાગ જોવા મળે છે. પેટ ઢોલની જેમ ફૂલી જાય છે. લીલો કુનો રજકો, ઘાસ, કોબી, બટાકા, વટાણા જેવા ખાદ્યમાં ગેસ મિશ્રિત, પાણીનો પેટમાં ભરાવો થવાથી આવો આફરો મરણતોલ પણ નીવડે છે. પ્રાથમિક સારવારમાં જીભ પર મીઠું ઘસવાથી, ખોરાક તથા પાણી ન આપવાથી, શરીરનો આગળનો ભાગ પાછળના ભાગ કરતાં ઊંચો રહે તેમ બચ્ચાને રાખવાથી રાહત મળે છે. હિંગના ગાંગડાને ખાવાના તેલ સાથે મિક્ષ કરી પીવડાવવાથી ફાયદો થાય છે. પશુ ચિકિત્સકો દ્વારા તાત્કાલિક પરિસ્થિતિમાં ડાબા પડખામાં સોય દ્વારા ગેસનો નિકાલ કરાવાય છે.

ઝાડાનો રોગ

આગળ વર્ણન કર્યું તેમ ચેપી ઝાડા ઉપરાંત અપચાને લીધે પણ બચ્ચામાં ઝાડા થાય છે. ઊતરતી કક્ષાનો સૂકો કે લીલો ઘાસચારો, જીવાણું-વિષાણુ, ફૂગજન્ય, કૃમિજન્ય ઉત્સેચકોની ઉણપ, કાળજાનો સોજો વગેરેને કારણે પણ ઝાડા થાય છે. પ્રયોગશાળામાં ઝાડાની તપાસ કરાવીને પશુ ચિકિત્સકની સલાહ અનુસાર જે તે કારણ સામે યોગ્ય સારવાર લેવાથી ઝાડા બંધ કરી શકાય છે.

શરદી/ ન્યુમોનિયાનો રોગ

શિયાળામાં ઠંડા પવનની, વાતાવરણમાં ભેજ તથા રજકણોથી, પ્રદુષિત વાતાવરણ, ધુમાડો, અપૂરતું હવા-ઉજાસ, વધુ પડતુ કામ અને અપૂરતો ખોરાક જો બચ્ચાને મળે તો શરદી અને ન્યુમોનિયા જેવા રોગો થઈ શકે છે. ગળસૂંઢા જેવા જીવાણુજન્ય જંતુઓ, વિષાણુઓ કે ફૂગજન્ય રજકણોથી કફ શ્વસનતંત્રમાં જમા થાય છે. શ્વાસોશ્વાસમાં બચ્ચાને તકલીફ પડે છે. પશુચિકિત્સકનો સંપર્ક કરી, યોગ્ય કારણોની સારવાર કરાવવી હિતાવહ છે. બચ્ચાનું સ્વચ્છ રહેઠાણ, પૂરતો હવા ઉજાસ, ઠંડી સામે રક્ષણ, શણના કોથળા-ધાબળાનો ઉપયોગ તથા યોગ્ય માવજતથી શરદી-ન્યુમોનિયાનો રોગ અટકાવી શકાય છે.

ઝેરી તત્વો તથા પ્રદુષિત વાતાવરણથી થતાં રોગો

ઘણીવાર પશુપાલકોના ધ્યાન બહાર આસપાસ પડેલી કે વસ્તુઓ જેવી કે વાહનની બેટરી, રંગ, રસાયણો, ખાતર કે અન્ય જંતુનાશક દવાઓ બચ્ચા દ્વારા મોમાં જવાથી ઝેરની અસર જોવા મળે છે. મોઢામાં લાળ પડવી, ચક્કર આવવા, લોહી મિશ્રિત ઝાડા થવા વગેરે. આવા દિવસોમાં તાત્કાલિક નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરી સારવાર કરાવવી હિતાવહ છે. પ્રદુષિત વાતાવરણ, ગંદુ પાણી, ઝેરી રસાયણો યુક્ત ધુમાડો, રજકણો, ગંદકી વગેરેથી પણ ગાયના બચ્ચાઓમાં અસર જોવા મળે છે. આવા વાતાવરણથી બચ્ચાઓને દૂર રાખવા હિતાવહ છે.

જખમ

વાગવાથી, ચીરો પડવાથી, ઘા થવાથી અને તેની કાળજી ન રાખવાથી માખીઓ દ્વારા તેમાં ઈંડા મૂકવાથી જખમમાં કીડા પડે છે. ઘામાંથી લોહી નીકળે છે બચ્ચાઓમાં કાનના ભાગમાં, શિંગડા ડામવાની જગ્યાએ, હોઠ ઉપર, પૂંછડી ને ગુદા માર્ગના ઉપર અથવા ડૂંટાની જગ્યાએ આવા જખમ જોવા મળે છે. સ્વચ્છ નવસેકા પાણીથી જખમ ધોઈ પશુચિકિત્સક પાસે સારવાર કરાવવી જરૂરી છે.

સારણ ગાંઠ

બચ્ચાના ડૂંટાની પાસે, પેટના નીચેના ભાગમાં ખીલો ખૂંચી જવાથી, શિંગડું વાગવાથી, સ્નાયુઓના ખેંચાવાથી, આંતરડા કે જઠરનો ભાગ ગુમડાં જેવો ઊપસી આવે છે. જે આંગળી વડે દબાવવાથી અંદર જતો રહે છે. આને સારણ ગાંઠ કહેવાય છે. આવા રોગમાં પશુચિકિત્સકની સલાહ અનુસાર તે ભાગ પર દબાણ આપવુ જોઈએ. શસ્ત્રક્રિયા દ્વારા આવી ગાંઠ ઉપર સારવાર કરી શકાય છે. ઉપરોક્ત જણાવેલા રોગો ગાયના બચ્ચાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. યોગ્ય કાળજી, માવજત, સ્વછ વાતાવરણ તથા પશુપાલકોની બચ્ચાઓ પ્રત્યેની વિશેષ કાળજી બચ્ચાઓના આવા રોગો અટકાવીને ભાવિ દૂધાળા પશુઓથી દેશની આર્થિક ઉન્નતિ જરૂર શક્ય છે.

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત