વાછરડાને દૂધની અવેજીમાં બીજું શું આપી ઉછેરી શકાય?

દૂધના ભાવ આજકાલ વધુ હોઈ વાછરડાને દૂધની અવેજીમાં બીજું શું શું આપીને ઉછેરી શકાય તેની વાત આ લેખમાં કરીશું.

વાછરડા ઉછેર દૂધને બદલે અન્ય ખોરાક પર પણ થઈ શકે છે જેમ કે,

  • મલાઈ નિકાળી લીધાં પછીનું દૂધ જેને સેપરેટ દૂધ કહે છે તે આપી શકાય છે.
  • તાજી મોળી છાશ આપી શકાય છે.
  • દૂધના પર્યાયરૂપે પ્રવાહી ખોરાક જેને મિલ્ક રિપ્લેસર કહેવાય છે તે પણ આપી શકાય છે.
  • વાછરડા માટેનું વૃદ્ધિદાણ જેને કાફ સ્ટાર્ટર કહેવાય છે તે આપી શકાય છે.

મિલ્ક રિપ્લેસર અને કાફ સ્ટાર્ટરમાં ભલામણ કરેલ માત્રામાં અને ગુણવત્તાવાળા પ્રોટીન, શક્તિદાયક તત્વો, ક્ષાર અને પ્રજીવકો હોવા જોઈએ.

સેપરેટ દૂધ અને મિલ્ક રિપ્લેસર શરીરના તાપમાન સુધી ગરમ કરી સ્વચ્છ રીતે પાવાં જોઈએ, અન્યથા બચ્ચાંને ઝાડા થઈ જશે અને મૃત્યુ થવાની શક્યતા રહેશે.

વાસી, ખાટી છાશ કદી ન આપવી અન્યથા ઝાડા થઈ જશે.

વાછરડા માટેનું ખાસ વૃદ્ધિદાણ કેવું હોય?

જ્યારે દૂધની અવેજીમાં સેપરેટ દૂધ કે તાજી મોળી છાશ વાછરડાને આપતા હોઈએ ત્યારે તેમની વૃદ્ધિને અવળી અસર ન થાય તે માટે ખાસ દાણ કાફ સ્ટાર્ટર આપવું જરૂરી છે. કાફ સ્ટાર્ટરની બનાવટમાં એક ઘટક પ્રાણીજન્ય સ્ત્રોતનો હોવાથી બચ્ચાંને જરૂરી એમિનો એસિડ મળી રહે છે.

કાફ સ્ટાર્ટરની બનાવટ નીચે મુજબ થઈ શકે છે,

મગફળીનો ખોળ- ૩૦ ટકા

મકાઈનો ભરડો- ૩૦ ટકા

ઘઉંનું થૂલું- ૩૦ ટકા

માછલી હાડકાંનો ભુક્કો- ૯ ટકા

ક્ષાર મિશ્રણ- ૨ ટકા

મીઠું- ૧ ટકા

કુલ- ૧૦૦ ટકા

આ દાણમાં જરૂરી માત્રામાં પ્રજીવક-એ તથા પ્રતિજૈવિક પાવડર ઉમેરવામાં આવે છે. મગફળીના ખોળની જગ્યાએ તલ કે અન્ય સારા તેલીબિયાંનો ખોળ પણ વાપરી શકાય છે. ઘઉંના થુલાંની જગ્યાએ મકાઈનું થૂલું કે ચોખાની કશ્કી વાપરી શકાય છે.

કાફ સ્ટાર્ટર વાછરડાને દૈનિક ૫૦૦ ગ્રામથી ૧ કિલો જેટલો ૩ માસની ઉંમરથી લઈ ૬ માસ સુધી આપો. કાફ સ્ટાર્ટરમાં ૨૦-૨૨ ટકા પ્રોટીન અને ૭૨-૭૫ ટકા પાચ્ય તત્વો હોવા જોઈએ.