પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે પ્રતિકાર(એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ)

            પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ ચેપ અટકાવવા, સ્વાસ્થ્ય જાળવવા, રોગીષ્ઠ મનોવૃત્તિ અટકાવવા તથા મરણશીલતા અટકાવવા થાય છે. અમુક કિસ્સામાં જીવાણુંજન્ય ચેપ સામે પ્રતિજૈવિક ઔષધો એટલે કે એન્ટીબાયોટિકસ મહત્તમ માત્રામાં આપવા છતાં જીવાણુ પર અસરકારક બનતા નથી જેને જીવાણુંજન્ય પ્રતિકાર અથવા પ્રતિજૈવિક પ્રતિકાર કહેવાય છે.

            બિંનજરૂરી, અયોગ્ય તથા વધુ પડતાં ઉપયોગથી પ્રતિજૈવિક ઔષધો સામે જીવાણુંઓ પ્રતિકારતા મેળવે છે. આ માટે ઘણાં બધા કારણો જવાબદાર છે, જેવા કે ઔષધ પ્રવેશતામાં ફેરફાર થવો, ઔષધની જોડાવાની જગ્યામાં ફેરફાર થવો, ઔષધના ચયાપચય માર્ગમાં ફેરફાર થવો તથા ઔષધને નિષ્ક્રિય કરતાં ઉત્સેચકમાં ફેરફાર થવો.  

આકૃતિ-૨
પ્રતિજૈવિક ઔષધોનો પ્રતિકાર

જીવાણુંનો પ્રતિજૈવિક ઔષધો સામેનો પ્રતિકાર બે પ્રકારનો હોય છે;

            ૧. કુદરતી પ્રતિકાર

            ૨. ઉદ્દભવિત પ્રતિકાર

કુદરતી પ્રતિકાર:

            જ્યારે જીવાણું વારસાગત કે જનીનીક રીતે ઔષધ સામે પ્રતિકાર ધરાવતા હોય ત્યારે તેને કુદરતી પ્રતિકાર કહેવાય છે. આ પ્રકારનો પ્રતિકાર અનેક કારણોસર હોય શકે.

જેમ કે, ઔષધ જીવાણુંના કોષમાં કોઈ કારણોસર પ્રવેશી ના શકે,

            ઔષધ જે તે રીતે કામ કરતાં હોય તેનો અભાવ હોય અથવા ઔષધનું લક્ષ્ય સ્થાન ના હોય,

            જીવાણુંના કોષોમાં ઔષધ ઝડપથી નિષ્ક્રિય થઈ જતું હોય.

            કુદરતી પ્રતિકાર જીવાણુંના કોઈ જુથ કે કુળની લાક્ષણિકતા હોય છે. જેમ કે ગ્રામ નેગેટિવ જીવાણું પેનિસિલીન-જીને પ્રતિકાર કરે છે, એનેરોબિક જીવાણું એમીનોગ્લાયકોસાઈડ સામે પ્રતિકાર ધરાવે છે તથા ગ્રામ નેગેટીવ જીવાણું મેક્રોલીડ સામે પ્રતિકાર ધરાવે છે.

આકૃતિ-૩
જીવાણુ અને પ્રતિજૈવિક ઔષધો

ઉદ્દભવિત પ્રતિકાર:

            કેટલાક પ્રતિજૈવિક ઔષધો જીવાણું ઉપર અસર કરતાં હોય, પરંતુ અમુક સમય પછી અસરકારક્તા ન દેખાડે ત્યારે જીવાણુંનો જે તે ઔષધો પ્રત્યે પ્રતિકાર ઊભો થયેલ છે તેમ કહેવાય, આ પ્રકારના પ્રતિકારને ઉદ્દભવિત પ્રતિકાર કહેવાય છે.

            જીવાણું સામે આ પ્રતિકાર સમય જતાં ઊભો થતો હોય છે, જે કોઈ પણ જીવાણું માટે હોઈ શકે છે. આ પ્રતિકાર પ્રતિજૈવિક સારવાર માટે મોટું જોખમ છે. આ પ્રકારનો પ્રતિકાર ઉત્પન્ન થવા માટે પ્રતિજૈવિક ઔષધના વધુ પડતાં અને અવિચારી ઉપયોગને લીધે હોય છે. ઔષધ પ્રતિકારકતા ઉત્પન્ન કરતાં નથી, પરંતુ સામાન્ય રીતે વંશપરંપરાગત પ્રતિકાર ધરાવતી જાતને પસંદ કરવા મદદરૂપ બને છે.

            આથી પ્રતિજૈવિક ઔષધોનો વિવેકપૂર્વક, વિચારીને, નિર્ધારિત થયેલ માત્રામાં યોગ્ય રીતે કરવો જોઈએ. આપણી આ તકેદારી આપણને એક મોટી મહામારી ‘સુપરબગ’ તરફ જતાં અટકાવી શકે છે.