નવજાત બચ્ચાંની જન્મ સમયે અને ત્યારબાદ શું કાળજી લેવી જોઈએ?

            બચ્ચાંના જન્મ બાદ શ્વાસોશ્વાસ ચાલુ થયા છે કે નહીં તે તપાસવું, બચ્ચાંના નાક, આંખ, કાન વગેરેમાં ચોંટેલી ચીકાશ આંગળીઓ વડે દૂર કરવાથી બચ્ચું આસાનીથી શ્વાસ લઈ શકશે. આમ છતાં જો શ્વાસ ચાલુ ન થાય તો બચ્ચાંને હળવો આંચકો આપવો.

            કુદરતી પદ્ધતિમાં ગાય-ભેંસ ઝડપથી બચ્ચાંને ચાટીને કોરું કરી નાખે છે, જેને લીધે શ્વાસ ઝડપી બને છે અને રુધિરાભિસરણ ગતિ પકડે છે. કૃત્રિમ પદ્ધતિમાં આપણે બચ્ચાંને અલગ કરી કપડાં વડે કોરું કરવું પડે છે.

            તંદુરસ્ત બચ્ચાં ૧૫-૨૦ મિનિટમાં પોતાના પગ ઉપર ઊભા થઈ જાય છે. આ વેળા તેમનું વજન કરી લેવું જોઈએ. નર બચ્ચાં માદા બચ્ચાં કરતાં થોડા વજનદાર હોય છે. બચ્ચાંનો ડૂંટો-નાળ ૫ સે.મી. જેટલો રાખી, સ્વચ્છ, જંતુરહિત પતરી અથવા કાતર દ્વારા કાપી નાખવો તથા ૩૦ ટકા ટીંચર આયોડિન અથવા જંતુ નાશકનું પોતું લગાડવું.

જન્મ બાદ નવજાત બચ્ચાંને ધાવવામાં મદદ જરૂરી છે?

            સામાન્ય સંજોગોમાં તંદુરસ્ત-ચપળ બચ્ચાં જન્મનાં ૧૫-૨૦ મિનિટમાં જ ચાર પગ પર ઊભા થઈ જાય છે અને અડધાથી એક કલાકમાં માતાના આંચળ અને આઉ શોધી કાઢે છે, પરંતુ ઘણી વખત ઓછા વજનવાળા નબળા બચ્ચાં જન્મે છે, તેમણે ઊભા થતાં તથા આંચળ શોધવામાં ઘણી વાર લાગે છે.

Related image

            તેથી કિંમતી સમય બચાવવા આવા બચ્ચાંને આંચળ મોમાં આપવો જોઈએ તથા ધાવવામાં મદદ કરવી જોઈએ. ઘણી વાર ગાય-ભેંસના આંચળ ખૂબ જ કઠણ તથા જાડા થઈ ગયા હોવાથી બચ્ચાંને મોઢામાં લેતા મુશ્કેલી પડે છે. આવા વખતે પ્રથમ કરાઠું વાસણમાં દોહી લેવાથી આંચળ પોચાં-નરમ-પાતળા પડે છે. ત્યારબાદ બચ્ચું આસાનીથી ધાવી શકે છે.

            કૃત્રિમ પદ્ધતિથી બચ્ચાંને જરૂરી કરાઠું વાસણમાં આપી તેને પીવડાવવાની ટેવ પાડવી જોઈએ તથા શીખવાડવું જોઈએ. ધીમે ધીમે બચ્ચાં ૧-૨ દિવસમાં દૂધ કે કરાઠું પીતાં શીખી જાય છે, પરંતુ આ કામમાં ખૂબ ધીરજ રાખવી જોઈએ. ઘણી વખત માનવબાળની દૂધબોટલ ટોટી સાથે પશુબચ્ચાંને દૂધ પીવડાવવામાં ઉપયોગી થાય છે, પરતું આમાં ઘણી ચોખ્ખાઈ જોઈએ, નહીં તો બચ્ચાંને ચેપ લાગી ઝાડા થઈ જાય છે.

Related image

કેટલી ઉંમર સુધી દૂધ પીવડાવવું જોઈએ?

            પ્રથમ ૬ થી ૮ અઠવાડીયા સુધી વાછરડા-પાડીયાને તેના વજનના ૧૦ ટકા પ્રમાણે દૈનિક દૂધ સવાર સાંજ મળી પીવડાવવું જોઈએ. ત્યારબાદ દૂધ આપવાનું પ્રમાણ ક્રમશઃ ઘટાડતાં જઈ ૩-૪ મહિને સદંતર બંધ કરી દેવું જોઈએ.

            દૂધની સાથે સાથે અન્ય આહાર, દાણ, લીલો-સૂકો ઘાસચારો આપતા રહેવું. એક અઠવાડિયાની ઉંમરે દૂધ છાંટેલું મુઠ્ઠી ભર દાણ ખાવા મૂકવું. વાછરડા-પાડીયા જેમ જેમ ખાતા જાય તેમ તેમ માત્રા વધારતા જઈ દૈનિક ૫૦૦ ગ્રામ દાણ સુધી પહોચવું. ઉત્તમ પ્રકારના લીલા-સૂકા ઘાસચારા બે અઠવાડિયાની ઉંમરે ખાવા માટે નીરવા. વાછરડાં-પાડીયા જેમ જેમ ખાતા જાય તેમ તેમ જથ્થો વધારતા જવો તથા જેટલું ખાઈ શકે તેટલું નીરવું.