દૂધની બનાવટોનું આરોગ્યલક્ષી મહત્વ

આકૃતિ-૨
દૂધ

દૂધ એ એક સમતોલ આહાર છે. આવો જાણીએ તેને સમતુલ્ય અને સ્વાસ્થ્યપ્રદ દૂધની બનાવટોનું મહત્વ.

દહીં:

            દહીં અને બીજા દૂધનું આથવણ કરી બનાવેલી દૂધની બનાવટોના સ્વાસ્થ્યવર્ધક ગુણો આપણાં વડવાઓ ખુબ સારી રીતે વર્ણવી ગયા છે. મુખ્યત્વે બજારમાં બે પ્રકારના દહીં મળે છે, જેને લોકભાષામાં ખાટું દહીં અને મોળું દહીં કહેવામાં આવે છે.

આકૃતિ-૩
દહીં

  • ખાટું દહીં સામાન્ય રીતે ફેટ વિનાના દૂધમાથી બનાવવામાં આવે છે. તેમાં ફેટનું પ્રમાણ નહિવત, જ્યારે પ્રોટીનનું પ્રમાણ ૩ થી ૪ ટકાની આસપાસ હોય છે.
  • બજારમાં મળતા મોળા દહીંમાં સામાન્ય રીતે ફેટનું પ્રમાણ ૧.૫ થી ૪.૫ ટકાની આસપાસ હોય છે, જ્યારે પ્રોટીનનું પ્રમાણ ૩ થી ૪ ટકા હોય છે.

દહીં ની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેની બીજા દૂધ ઉત્પાદનોની સરખામણીમાં પાચન ક્ષમતા ખુબ સારી હોય છે. આ ઉપરાંત દહીં અનેક રીતે માનવશરીર માટે લાભપ્રદ છે, જેમ કે તે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે, કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે તેથી હાડકાની તંદુરસ્તી જળવાઈ રહે છે. ઉપરાંત વિવિધ રોગો સામે રક્ષણ આપે છે.

પનીર:

આકૃતિ-૪
પનીર

            પનીરમાં પ્રોટીન, ચરબી અને કેલ્શિયમ ખુબ જ સારી માત્રામાં હોય છે. આથી પનીરને પ્રોટીનનો ખુબ સારો સ્ત્રોત ગણવામાં આવે છે. પનીરમાં પ્રોટીનનું પ્રમાણ ૧૫ થી ૨૦ ટકા જેટલું, જ્યારે ફેટનું પ્રમાણ ૧૮ થી ૨૫ ટકા જેટલું હોય છે. પનીર ખાસ કરીને બાળકો, રમતવીરો અને મહિલાઓના પોષણ માટે ખુબ સારો ખોરાક છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ પણ ખુબ સારા પ્રમાણમાં હોય છે, જે બાળકોના, સ્ત્રીઓના અને રમતવીરોના સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી છે.

ઘી:

            ઘી એ દૂધની ચરબીને (માખણ)ને ઉકાળી સંપૂર્ણ પાણીમુક્ત કરી બનાવાતી દૂધની એક ખુબ જ ઉપયોગી બનાવટ છે. ઘીને પવિત્ર ખોરાક પણ માનવમાં આવે છે. ઘી આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. આપણા શાસ્ત્રોમાં તેના ઘણાં સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ દર્શાવેલા છે.

આકૃતિ-૫
ઘી

            આયુર્વેદ દ્વારા ઘીને સર્વોત્તમ પ્રકારનું ફેટ માનવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે ઘી દીર્ઘ-આયુષ્ય બક્ષે છે અને ઘણાં રોગો સામે રક્ષણ આપે છે. ઘી દ્વારા પાચનશક્તિમાં વધારો થાય છે. ઘી સ્મરણશક્તિને વધારે છે, મગજને અને ચેતાતંતુઓને શક્તિશાળી બનાવે છે. ઘીના આયુર્વેદમાં કેટલાય ઔષધિય ઉપયોગો છે, જેમ કે એલર્જી, ચામડીના અને ફેફસાના રોગો મટાડે છે. આમ, ઘીનું નિયમિત સેવન શરીરને વિવિધ રીતે ફાયદાકારક રહે છે.

            આધુનિક વિજ્ઞાને ઘીની માનવીની તંદુરસ્તી પર થતી સારી અસરોને સમર્થન આપ્યું છે, જેમ કે બાળકોના બુદ્ધિના વિકાસ પર થતી અસર, શરીરને ઉર્જા આપવાની ક્ષમતા વગેરે.