કૃત્રિમ બીજદાન શા માટે?

કૃત્રિમ બીજદાન શા માટે?

ભારત એ ખેતીપ્રધાન દેશ છે, જ્યાં ખેતીની સાથે સાથે આજે પશુપાલન પણ મુખ્ય આર્થિક કમાણી નો સ્ત્રોત બની ગયું છે. આપણાં વૈજ્ઞાનિકો અને ખેડૂતોના સફળ અભિગમના પરિણામે આજે ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં આગળ છે. તેનું પ્રમુખ કારણ એ પણ છે કે દૂધ ઉત્પાદન કરવા માટે ભારત પાસે ગાય અને ભેંસોનું વિશાળ પશુધન છે.

 કુદરતી રીતે એક આખલો/પાડો વર્ષમાં ૮૦ થી ૧૦૦ માદા પશુઓને ગર્ભધારણ કરાવી શકે છે પરંતુ જો આ આખલા કે પાડામાંથી કૃત્રિમ રીતે વીર્ય એકઠું કરી બીજદાનની પદ્ધતિ અપનાવવામાં આવે તો ૧૦ થી ૧૫ હજાર માદા પશુઓને ગાભણ કરી શકાય છે.

 બીજદાન માટે જે આખલા કે પાડા રાખવામાં આવે છે તે ઊંચી ગુણવત્તા વાળા હોવાને કારણે દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે અને ઓલાદમાં ઝડપથી સુધારણા થઈ શકે છે. પશુઓમાં શુદ્ધ ઓલલાદની જાણવણી સાથે તેના આનુવંશિક ગુણોમાં પેઢી સુધાર થાય તે જરૂરી છે, જેથી પેઢી આગળ વધે તેમ તેના દૂધ ઉત્પાદનમાં, પ્રજનનમા સુધારો થાય. તે માટે રેકોર્ડ રાખવાની સાથે સારી ઓલાદના વધારે દૂધ ઉત્પાદનના આનુવંશિક ગુણો ધરાવતા સાંઢ કે પાડાના વીર્યથી કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ.

કૃત્રિમ બીજદાન માટે જે વીર્ય વાપરવામાં આવે છે તેનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરેલું હોય છે અને જેમાં એન્ટીબાયોટિક દવાઓ ઉમેરેલી હોવાથી ગર્ભાશયના ચેપી રોગો અટકાવી શકાય છે.

આકૃતિ-૨
પ્રયોગશાળા નિદાન

કૃત્રિમ બીજદાન કરતાં પહેલા માદા પ્રજનન તંત્રની પૂરેપુરી તપાસ કરવામાં આવે છે. જેથી કોઈ ખામી હોય તો જાણી શકાય છે અને તેની યોગ્ય સારવાર કરી શકાય છે જેના કારણે બે વિયાણ વચ્ચે ગાળો ઘટાડી શકાય છે.

બે થી ત્રણ ટકા પશુઓ બે થી ત્રણ માસના ગાભણ હોવા છતાં ગરમીમાં આવે છે, કૃત્રિમ બીજદાન કરતી વખતે પ્રજનન અંગોની તપાસ કરવામાં આવતી હોવાથી આવા પશુઓને ઓળખી શકાય છે અને ગર્ભપાત થતો અટકાવી શકાય છે.

પશુઓના શરીરના કદ અને વજનની અસમાનતા, ખોડ, શારીરિક ખામીઓવાળા કે લંગડા પશુઓને ફેળવવા માટે કુદરતી સમાગમ શક્ય બનતો નથી પરંતુ આવા માઠા પશુઓને કૃત્રિમ બીજદાનની પદ્ધતિથી સહેલાઈથી ફેળવી શકાય છે જેથી કુદરતી સમાગમ વખતે થતાં અકસ્માતો, અસ્થિભંગ વગેરે અટકાવી શકાય છે. પ્રજનન સંબંધી બીમારીઓ અને જાતિય સમસ્યાઓ નિવારી શકાય છે.

ઘણી વખત ઋતુકાળમાં આવેલ તોફાની ચંચળ વાછરડીઓ સાંઢને ઠેકવા દેતી નથી અથવા બેસી જાય છે અને આ રીતે કુદરતી સમાગમ શક્ય બનતો નથી. આથી આવી વાછરડીઓ અથવા પાડીઓને કૃત્રિમ બીજદાન દ્વારા સહેલાઇથી ફેળવી શકાય છે. ઉપરાંત ગાય-ભેંસ ગરમીમાં આવવાથી સાંઢ-પાડાની શોધ કરવી પડતી નથી.

નાના પશુપાલકો કે જેઓ એક કે બે ગાય કે ભેંસ રાખતા હોય તેવા લોકોને આર્થિક રીતે આખલો કે પાડો રાખવો પોષાય નહીં તેવા લોકો માટે કૃત્રિમ બીજદાન ખૂબ સસ્તું પડે છે. પશુપાલકને સાંઢને પાળવાનો અને તેને ત્રણ વર્ષ પછી બદલવાની ઝંઝટમાથી મુક્તિ મળે છે.

લાંબાગાળે પશુ ઉત્પાદન અને ઉત્પાદકતામાં ચોક્કસ વધારો થાય છે જે આર્થિક રીતે ફાયદાકારક બને છે. આથી આ આધુનિક યુગમાં કૃત્રિમ બીજદાન એક આશીર્વાદ રૂપ નિવડયું છે.