કૃત્રિમ બીજદાન કરાવતી વખતે પશુપાલકે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સારા ઉત્પાદક પશુઓને સિદ્ધ કરેલા આખલા/પાડાના વીર્યથી જ કૃત્રિમ બીજદાન કરાવવાથી આવનાર પેઢીમાં ઉત્પાદન વૃદ્ધિની ખાતરી રહે છે, કારણકે કૃત્રિમ બીજદાન એ ઓલાદ સુધારણાનું ઉત્તમ સાધન છે.  

પશુપાલકે કૃત્રિમ બીજદાન કરાવતી વખતે શું કરવું?

  • વીર્યને લાંબો સમય સાચવી રાખવા માટે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ રીતે સાચવી રાખેલા વીર્ય વડે જ પશુમાં બીજદાન કરાવવું જોઈએ.
આકૃતિ-૨
પ્રવાહી નાઇટ્રોજન
  • વેતરે આવેલા પશુઓની પશુ-ચિકિત્સક પાસે યોગ્ય ચકાસણી કરાવીને બીજદાન કરાવવું જોઈએ.
  • કૃત્રિમ બીજદાન કરાવવા માટેનો સમય પણ ચોક્કસ હોવો જોઈએ. પશુ જ્યારે ગરમીમાં આવે ત્યારથી ૧૦-૧૨ કલાક પછી પશુમાં કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ. પશુ જો સાંજે ગરમીમાં આવે તો બીજા દિવસની સવારમાં બીજદાન કરાવવું જોઈએ અને જો પશુ સવારે ગરમીમાં આવે તો તે જ દિવસની સાંજે બીજદાન કરાવવું.
  • કૃત્રિમ બીજદાન કરાવ્યા પછી પણ જો ગાય-ભેંસ ગાભણી ના થાય તો ૨૧ દિવસ પછી ગરમીમાં પાછી ફરે ત્યારે તપાસ કરાવીને ફરીથી બીજદાન કરાવવું જોઈએ.
  • પશુપાલકે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે બીજદાન અધિકારી વીર્યનો ડોઝ નાઇટ્રોજન સીલિન્ડરમાંથી બહાર કાઢી પાણીમાં મૂકે ત્યારે પાણીનું તાપમાન ૩૭° સે. છે કે નહીં અને ૩૦ સેકન્ડ સુધી પાણીમાં મૂકી રાખી ત્યારબાદ બીજદાન કરાવવું.
  • પશુમાં કૃત્રિમ બીજદાન કરાવતા પહેલા યોનિનો ભાગ પાણી વડે બરાબર સાફ કરવો અને દરેક વખતે નવી શીથનો ઉપયોગ થાય એ પશુપાલકે ધ્યાનમાં રાખવું જોઈએ.
  • પશુપાલકે તેના પશુમાં બીજદાન કરાવ્યા બાદ બીજદાન અધિકારી પાસેથી પાવતી જરૂરથી મેળવી લેવી, જેમાં બીજદાનનો ખર્ચ, બીજદાન કરાવ્યાની તારીખ, ડોઝનો નંબર વગેરે જેવી માહિતીનો સમાવેશ થાય છે.

પશુપાલકે કૃત્રિમ બીજદાન કરાવતી વખતે શું ના કરવું?

  • પશુપાલકે તેના પશુને બીજદાન કેન્દ્ર સુધી ના લઈ જવું, જેનાથી પશુમાં વધારાનો તણાવ દૂર થશે. અધિકારીને પશુમાં બીજદાન કરાવવા માટે પશુપાલકે તેના ઘરે જ બોલાવવા જોઈએ.
  • પશુપાલકે તેના પશુમાં કૃત્રિમ બીજદાન અધિકારી દ્વારા એવા પ્રકારના વીર્ય વડે બીજદાન ના કરાવવું જેનો સંગ્રહ બરફ મૂકવાના થરમોસમાં, પ્લાસ્ટિકની થેલીમાં અને બરફની પ્લાસ્ટિકની ટ્યૂબમાં થયો હોય.
આકૃતિ-૩
બરફ મૂકવાના થરમોસ, પ્લાસ્ટિકની થેલી અને બરફની પ્લાસ્ટિકની ટ્યૂબ
  • પશુપાલકે તેના પશુને બરાબર બાંધ્યા પછી જ બીજદાન કરાવવું, જેથી પશુમાં વધારે પડતો તણાવ ના રહે.
  • પશુપાલકે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે બીજદાન અધિકારી વીર્યનો ડોઝ નાઇટ્રોજન સિલિન્ડરમાથી બહાર નીકાળે ત્યારે તેને લાંબો સમય સુધી બહાર ના રાખતા તે ડોઝને તરત જ ૩૭° સે. ડિગ્રી તાપમાન વાળા પાણીમાં ૩૦ સેકન્ડ સુધી મૂકી રાખી અને પછી બીજદાન કરાવવું.
  • પશુપાલકે બીજદાન કરાવ્યા પછી શીથ અને હાથના મોજાં ગમે ત્યાં ના ફેંકી દેતા તેનો યોગ્ય રીતે નિકાલ કરવો.

પશુપાલકો દ્વારા આ બધી બાબતોનું કૃત્રિમ બીજદાન વખતે જો ધ્યાન અપાય તો ચોક્કસથી પશુનો ગર્ભધારણ દર વધશે અને પશુદીઠ દૂધ ઉત્પાદન પણ વધશે. આમ, પશુપકોની આર્થિક સમૃદ્ધિ વધારવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આથી કૃત્રિમ બીજદાન કરાવવાનો આગ્રહ રાખવો, સાથે સાથે તકેદારી પણ રાખવી.