કાંકરેજ ગાય

મૂળ ઉત્પત્તિ અને વિતરણ

કાંકરેજ નામ કચ્છના રણના દક્ષિણ પૂર્વ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી આવેલ છે. પ્રાણીઓ મુખ્યત્વે બનાસ અને સરસ્વતી નદીઓના કાંઠે કે જે આ વિસ્તારમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ત્યાં જોવા મળે છે. કાંકરેજ અલગ અલગ વિસ્તારોમાં અન્ય નામો દ્વારા પણ ઓળખાય છે:

રાધનપુર વધિયાર

કચ્છ વાગડ અથવા વાગડિયા

શારીરિક લાક્ષણિકતાઓ 

 

કાંકરેજ જાતિના પશુઓ ખૂબ જ કિંમતી હોય છે કારણ કે આ ઝડપી અને શક્તિશાળી ભારવહન પશુઓ છે. તેઓ દુધના ઉચિત ઉત્પાદકો પણ છે. કાંકરેજ સૌથી ભારે ભારતીય જાતિના પશુઓમાં એક છે. તેઓ રંગે ચાંદી થી ભૂખરા થી લોખંડી ભૂખરો અથવા સ્ટીલ કાળા એમ વિભિન્ન હોય છે. આ ઢોરમાં લાલ રંગ અપ્રભાવી આનુવંશિક અસરને કારણે દર્શાવે છે. જ્યારે જન્મેલો નાના વાછરડાં લાલ રંગના હોય છે, જે ધીમે ધીમે ૬ થી ૯ મહિનાની અંદર અદૃશ્ય થઈ જાય છે. રંગ ભાત સમાન નથી હોતી, આગળના પગ , ખૂંધ અને પાછળના પગ પેટના ભાગ કરતાં ઘાટા હોય છે, ખાસ કરીને નરમાં. ચામડીનું રંગદ્રવ્ય ઘાટુ હોય છે અને ત્વચા સહેજ ઢીલી અને મધ્યમ જાડાઈની હોય છે. વાળ નરમ અને ટૂંકા હોય છે. એવું પણ જોવામાં આવ્યું છે કે લાલ રંગ અપ્રભાવી હોય છે. કપાળ વ્યાપક અને વચ્ચેથી સહેજ અંતર્ગોળ હોય છે. શિંગડાં બાહ્ય અને ઉપર તરફ વળેલા એક લાંબી સારંગી આકારની શૈલીમાં હોય છે. આ અન્ય જાતિઓની તુલનામાં લાંબા અંતર સુધી ત્વચા સાથે વળેલાં રહે છે.

મજબૂત અર્ધ-ચંદ્રાકાર આકારવાળા શિંગડા ત્વચાથી અન્ય જાતિઓની તુલનામાં ઊંચા બિંદુ સુધી ઢંકાયેલા હોય છે. ચહેરો ટૂંકા અને નાક સહેજ ઉપર દેખાય છે. કાન ખૂબ જ લાક્ષણિક હોય છે, જે મોટા, લટકતા અને ખુલ્લા હોય છે. પગ ખાસ કરીને સુવ્યવસ્થિત અને સારી સંતુલિત તથા નાના, ગોળાકાર અને ટકાઉ હોય છે. નરમાં ખૂંધ સારી રીતે વિકસીત હોય છે પરંતુ અન્ય દેશી જાતિઓની જેમ તેટલું મક્કમ નથી હોતું. ગાળાની લટકતી ગોદડી પાતળી પરંતુ ઝૂલતી હોય છે અને નરમાં તે ઝૂલતી હોય છે. પૂંછડીની કેશવાળી કાળા રંગની હોય છે. એક પુખ્ત નર સરેરાશ ૫૨૫ કિલોગ્રામ (મર્યાદા ૫૫૦-૫૭૦ કિલોગ્રામ) વજન ધરાવે છે જ્યારે માદા ૩૩૦-૩૭૦ કિલોગ્રામ (સરેરાશ ૩૪૩ કિલોગ્રામ) નું વજન ધરાવે છે.

આ જાતિની ચાલ વિશિષ્ટ હોય છે; શરીરના કોઈ પણ હલન-ચલન વગર તે સરળ રીતે ચાલે છે, માથું નોંધપાત્ર રીતે ઊંચું રહે છે અને આગળનો ભાગ ખુલ્લો રહે છે તથા તેની પાછળનો ભાગ પણ ખુલ્લો રહે છે. કાંકરેજમાં આ ચાલને સ્થાનિક રીતે ‘સવાઇ ચાલ’ (અર્થ શાહી ચાલ) કહેવામાં આવે છે.

કાંકરેજ પશુઓને ઇતરડી દ્વારા ફેલાતાં રોગો સામે પ્રતિરોધક તરીકે ઓળખવામાં આવે છે. ચેપી ગર્ભપાત અને ક્ષય જેવા રોગોની ઘટનાઓ પણ ખૂબ ઓછી છે.

ઉત્પાદન અને પ્રજનનક્ષમતા

આ પ્રાણીઓ સરેરાશ પ્રજનન કાર્યક્ષમતા ધરાવે છે. પ્રથમ વિયાણની ઉંમર ૪૭.૩ મહિના (મર્યાદા ૩૩.૯ થી ૫૬ મહિના) અને બે વિયાણ વચ્ચેનો સમયગાળો સરેરાશ ૧૬ મહિના (૧૩.૩ થી ૨૧ મહિનાની મર્યાદા) હોવાનું જાણવા મળ્યું છે. કાંકરેજ એ મધ્યમ દૂધ ઉત્પાદકો છે જે સરેરાશ ૧૭૫૦ કિલોગ્રામ (૧૭૦૦-૧૯૦૦ કિલોગ્રામની મર્યાદા) ની પાનો મૂકવાના સમયગાળાની અવધિ દીઠ ઉત્પન્ન કરે છે. દુધમાં ફેટની ટકાવારી સરેરાશ ૪.૮ ટકા ૪.૭ ટકા થી ૫.૦ ટકા ની મર્યાદામાં હોય છે.

રાજ્યમાં કુલ અંદાજિત વસ્તી (૨૦૦૭ મુજબ): ૨૬,૮૧,૮૦૦ (સ્ત્રોત ગુજરાત સરકાર).


અનુવાદક

ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત