સાંઢ-પાડાની પોષણ વ્યવસ્થા તથા પગની ખરીઓની જાળવણી

સાંઢ-પાડાની પોષણ વ્યવસ્થા:

            સંવર્ધન માટે ઉપયોગમાં લેવાતા સાંઢ-પાડાને ઉત્તમ પ્રકારનો લીલો ઘાસચારો તથા પૂરતી માત્રામાં દાણ અને ક્ષાર મિશ્રણ ખવડાવવું જોઈએ, જેથી કરીને સ્વસ્થ અને સ્ફૂર્તિલા રહે, પરંતુ મેદસ્વી ન થાય.

Related image

            ૧૮ મહિનાથી ૩ વર્ષના સાંઢ-પાડાને તેના શારીરિક વજનના ૨.૫ થી ૩ ટકાના દરથી ખોરાક આપવો જોઈએ, જેથી તેના વજનમાં ૫૦૦-૭૦૦ ગ્રામ/દિવસ જેટલો વધારો થઈ શકે.

            સંવર્ધન સાંઢ-પાડાને આપવામાં આવતા દાણમાં ૧૨-૧૫ ટકા પાચક પ્રોટીન અને ૭૦ ટકા જેટલા તમામ પોષકતત્વો, ક્ષાર મિશ્રણ તથા પૂરતી માત્રામાં પ્રજીવકો હોવા જોઈએ.

            સામાન્ય રીતે એક પુખ્ત સાંઢ-પાડાને ૨-૩ કિલો જેટલું દાણ, ૨૫-૩૦ કિલો લીલો ઘાસચારો અને ૪-૫ કિલો સૂકો ઘાસચારો આપવો જોઈએ. આ ઉપરાંત સાંઢ-પાડાને સારી ગુણવત્તાનું થીજેલું ક્ષાર મિશ્રણ આપવું જોઈએ. આ માટે જે તે વિસ્તારની જમીન-ઘાસચારો પૃથ્થકરણ કરવી અને યોગ્ય ક્ષાર મિશ્રણ તૈયાર કરાવવું જોઈએ.

            ૨૦૦ કિલો સુધીનું વજન ધરાવતા સાંઢ-પાડાને દરરોજ ૫૦ ગ્રામ ક્ષાર મિશ્રણ આપવું જોઈએ. ૨૦૦ થી ૩૦૦ કિલો સુધીનું વજન ધરાવતા સાંઢ-પાડાને દરરોજ ૭૦ ગ્રામ ક્ષાર મિશ્રણ આપવું. ૩૫૦ કિલોથી વધારે વજન ધરાવતા સાંઢ-પાડાને દરરોજ ૧૦૦ ગ્રામ ક્ષાર મિશ્રણ આપવું જોઈએ.

            સાંઢ-પાડાને વધારે પડતો સાયલેજ અથવા સૂકો ઘાસચારો ખવડાવવાથી પેટ મોટું થાય છે, જેના કારણે સંવર્ધનની પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય છે. વધુ સાયલેજથી વીર્યની ગુણવત્તા પર વિપરીત અસર થતી જોવા મળેલ છે.

પગની ખરીઓની જાળવણી:

            પગની ખરીઓની ઇજા અને બિમારીના કારણે સાંઢ-પાડાની આરુઢ થવાની તેમજ વીર્યના સ્ખલન પર ખૂબ ખરાબ અસર પડે છે, જેથી કરીને સાંઢ-પાડાની ખરીઓની નિયમિતપણે તપાસ કરવી અને દર ૬ મહિને કાપતા રહેવું જોઈએ.

            જો સાંઢ-પાડા બાંધીને રાખવામાં આવતાં હોય તો ઘણી ઓછી કસરત થતી હોય છે. આવા સાંઢ-પાડાની ખરીઓ વધવાની શક્યતા વધારે હોય છે, જેથી નિયમિતપણે કાપવી હિતાવહ છે.

            સંકર ઓલાદના સાંઢની ખરીઓમાં સડો થવાની શક્યતા વધારે હોય છે, જેથી દર અઠવાડિયે તેની તપાસ કરી ઉચિત ઉપાય કરવો જોઈએ. આવા સાંઢ-પાડાની ખરીઓ અઠવાડિયામાં એક વાર ૫-૧૦ ટકાવાળા કોપર સલ્ફેટના દ્રાવણથી સાફસફાઇ કરવી જોઈએ.