વિયાણ બાદ જોવા મળતાં ચયાપચય સંબંધી બે રોગ: સુવારોગ (દુધિયો તાવ/ મિલ્ક ફીવર) અને કીટોસીસ (એસીટોનેમિયા)

સુવારોગ (દુધિયો તાવ, મિલ્ક ફીવર)

            આ રોગ વિયાણ બાદ તુરંત જ થાય છે. જેમાં ખોરાકમાંથી કેલ્શિયમ ઓછું મળવાના કારણે અને ખીરા તેમજ દૂધમાંથી વધુ પડતા કેલ્શિયમ વહી જવાના કારણે આ રોગ થાય છે. વધુ વેતરવાળી (૪ થી ઉપર) ગાયો-ભેંસોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આવા વધુ ઉંમરવાળા પશુઓના હાડકામાં અસ્થિ રચના કોષો ઓછા થવાથી હાડકામાંથી કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં તૈયાર કરી શકાતું નથી, જેથી લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. વસુકેલ સમય દરમિયાન ૧૦૦ ગ્રામ કેલ્શિયમ પ્રતિદિન આપવાથી પણ આ રોગ થાય છે.

રોગના લક્ષણો

 • પશુ શરૂઆતમાં ઉગ્રતા બતાવે છે, ધનુર જેવા ચિન્હો પણ બતાવે છે.
 • માથા અને ગળાના સ્નાયુઓ ધ્રુજવા.
 • ત્યારબાદ તણાવ, ખોરાક છોડી દેવો, પેટનું હલનચલન બંધ થવું, દૂધ બંધ થવું.
 • જીભ બહાર આવી જવી તથા દાંત કચકચાવવા.
 • પશુ છાતીના હાડકાના સહારે જમીન ઉપર બેસી જાય છે તેમજ માથું પાછળ રાખે છે, જાણે પેટ તરફ નજર હોય તેવી રીતે (સ્ટરનલ રીકમ્બંસી).

 • શરીરનું તાપમાન સામાન્ય કરતા ઘણું નીચું જાય છે.
 • પશુ ઉભું થઇ શકતું નથી, હદયના ધબકારા વધે છે, પણ નાડીના ધબકારા મંદ પડે છે.
 • પેટનુ હલનચલન બંધ થાય છે, જેના કારણે આફરો અને કબજિયાત સામાન્ય રીતે દેખાય છે.
 • સારવાર વગરના પશુઓ ખેંચ કે તાણ અથવા શ્વાસોશ્વાસ બંધ થઇ જવાના કારણે મૃત્યુ પામે છે.

સારવાર

 • પશુચિકિત્સકને તુરંત બોલાવી પશુની સારવાર કરાવવી હિતાવહ છે. ત્યારબાદ પશુની બેસવાની જગ્યાએ ઘાસચારાની ગાદી બનાવી રાખવી અને અમુક કલાકે પડખા ફેરવવા જરૂરી બને છે.
 • વિપરીત વાતાવરણ (ઠંડી, વરસાદ)માં આર્થિક રીતે પરવડે તેવું પશુ આવાસ પૂરું પાડવું જરૂરી છે.

કીટોસીસ (એસીટોનેમિયા)

        કાર્બોદિત પદાર્થો અને વોલેટાઈલ ફેટી એસિડના ખોટા ચયાપચયના કારણે શરીરમાં ઊર્જાનું પ્રમાણ ઘટી જવાથી આ રોગ થાય છે. વધુ દૂધ આપતા પશુઓમાં વિયાણ બાદના ૨ મહિના પછી સામાન્ય રીતે આ રોગ થાય છે. શરીરમાં ઊર્જાનાં ચયાપચયના નિયમન માટે લોહીમાં શર્કરાનું પ્રમાણ જળવાઈ રહેવું જરૂરી છે. વાગોળનારા પશુઓમાં કાર્બોદિત પદાર્થોનું શોષણ ખુબ જ ઓછું થાય છે, કારણ કે આવાં પશુઓના બીજા પેટમાં (રૂમેનમાં) કાર્બોદિત પદાર્થોનું પેટમાં હાજર રહેલા બિનહાનિકારક જીવાણુંઓ દ્વારા વોલેટાઈલ ફેટી એસિડમાં વિઘટન થાય છે.

રોગના લક્ષણો

 • પશુ ખોરાક ધીરે ધીરે ઓછો ખાય છે.
 • દૂધ ઉત્પાદનમાં અને શારીરિક વજનમાં એકદમ ઘટાડો જોવા મળે છે.
 • શ્વાસમાં એક અલગ પ્રકારની એમોનીક વાસ આવે છે.
 • રોગ થયેલ પશુને લાળ પડવી, અસામાન્ય વાગોળ, જડબા હલાવે છે.

સારવાર

 • નજીકના પશુચિકિત્સક ને તુરંત બોલાવી, પશુની સારવાર કરાવવી હિતાવહ છે.
 • પશુને ભૂખ્યું રાખવું નહિ તેમજ વધુ પડતું ખવરાવવું નહિ.
 • વિયાણ બાદ દાણનું પ્રમાણ ધીરે ધીરે વધારવું.
 • સામાન્ય રીતે દૂધ ઉત્પાદનની ક્ષમતાને ધ્યાને રાખીને તેનાથી થોડોક વધુ ખોરાક આપવો.
 • પશુને દરરોજ થોડી કસરત આપવી.
 • વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને ગર્ભાવસ્થા દરમિયાન સુપાચ્ય કાર્બોદિત પદાર્થો આપવા જરૂરી છે.
 • હલકા પ્રકારનો ઘાસચારો અને વધુ પડતું પ્રોટીન આહારમાં ન આપવું.

ઉનાળામાં વધુ થતો ડાઉનર કાઉ સિન્ડ્રોમ

            આ રોગ વાસ્તવમાં સુવારોગની આડઅસર છે. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓમાં વિયાણ બાદ સામાન્ય રીતે આ રોગ થાય છે. ઉનાળાની ઋતુના તાણને કારણે આ રોગ ઉનાળામાં વધુ થાય છે. શરૂઆતમાં આ રોગ સુવારોગ જેવો જણાય છે.

રોગનાં લક્ષણો:

 • શ્વસનદર અને શરીરનું તાપમાન સામાન્ય રહે છે.
 • મળ-મૂત્ર પણ સામાન્ય હોય છે, સ્નાયુના ભંગાણ થવાથી પ્રોટીન અને યુરિયાનું પ્રમાણ વધુ હોય છે.
 • બે દિવસથી વધુ સમય પશુ પડી રહે તો શરીર ઉપર ચાઠાં-ઘા, ઇજાઓ અને અન્ય બીજી તકલીફોની શરૂઆત થાય છે.
 • પશુ ઊભું થવાની કોશિશ કરે છે, પરંતુ પાછળનાં બે પગ લાંબા કરી શકતું નથી, તેમ છતાં પાછળનો ભાગ ઊંચો કરવાનો પ્રયત્ન કરે છે.
 • વારંવાર કોશિશ કરવાના કારણે પશુ દેડકાની જેમ હલનચલન કર્યા કરે છે. આના કારણે થાપાનાં સ્નાયુઓમાં ખૂબ જ ઇજાઓ થાય છે.
 • પશુના પગમાં સખત દુખાવો થતો હોય તેમ લાગે છે તેમજ પશુ તેના શરીરના વજનનું વહન કરી શકતું નથી.
 • ઊભા થવાના પ્રયત્નોના કારણે સાથળનાં ભાગે ચેતાતંત્રને નુકસાન થાય છે.

સારવાર:

 • નિષ્ણાંત પશુચિકિત્સકની પાસે સારવાર કરાવવી.
 • શરીર ઉપર ચાઠાં ન પડે તે માટે સમયાંતરે પડખાં ફેરવવા તેમજ આરામદાયક પથારી કરી આપવી.
 • દૂધ આપતું હોય તો દૂધ કાઢવું તેમજ જંતુનાશક દ્રાવણથી આઉને ધોવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*