પશુપોષણ પશુપાલનનો આધારસ્તંભ તથા પશુની રોજિંદી આવશ્યકતા

        દૂધ ઉત્પાદન ખર્ચમાં ૬૦-૭૦% જેટલો ખર્ચ પશુના ખોરાક પાછળ થાય છે. આ ઉપરાંત સરખા ઉત્પાદન ક્ષમતાના આનુવંશિક ગુણોવાળા પશુઓમાં પણ સારા ખોરાક અને સારી માવજત દ્વારા ૨૫% જેટલું દૂધ ઉત્પાદન વધારી શકાય છે. આમ, ખોરાકના ખર્ચમાં ઘટાડો અને ખોરાક આપવાની પદ્ધતિ ઉપર જો પશુપાલક પુરતું ધ્યાન આપે તો વધુ નફો મેળવી શકે છે.

આ માટે નીચેના મુદ્દાઓ ધ્યાન રાખવા જોઈએ.

  • પશુઓને તેના નિભાવ, દૂધ ઉત્પાદન અને પ્રજનન માટે જરૂરી પોષકતત્વો મળી રહે તે પ્રમાણે ખોરાકનું આયોજન કરવું જોઈએ. જરૂરિયાત કરતા ઓછો અથવા વધારે ખોરાક પશુ માટે તેમજ આર્થિક રીતે નુકશાન કરે છે.
  • સુકા, લીલા ચારા અને દાણમાંથી મળતા પોષક તત્વોની ગણતરી કરીએ તો કીંમતની દ્રષ્ટીએ હમેશાં લીલોચારો વધુ સસ્તો પડે છે, માટે હમેશાં લીલોચારો પશુના ખોરાકમાં વધુમાં વધુ આપવો જોઈએ.
  • ૫ કિલો કઠોળ વર્ગનો ચારો ૧ કિલો દાણ જેટલા પોષકતત્વો પશુને પુરા પાડે છે. આમ, પશુપાલક પોતે લીલોચારો ઉત્પન્ન કરે તો ૫ કિલો લીલોચારો ૧ કિલો દાણની કિંમતની સરખામણી એ અડધી કિંમતે ઉત્પાદન કરી શકે છે.
  • બારેમાસ લીલો કઠોળ અને ધાન્ય વર્ગનો ચારો મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. એકમદીઠ વધુમાં વધુ ઉત્પાદન આપતા સંકર બિયારણ પસંદ કરી પૂરતા સેન્દ્રીય અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી ઘાસચારાની ઉત્પાદન કિંમત ઘટાડી વધુ નફો મેળવી શકાય છે.
  • જયારે લીલોચારો ઓછી કિંમતે ઉત્પન્ન કરી શકાય તેમ હોય ત્યારે લીલોચારો ઉત્પન્ન કરી સાઈલોપિટ ભરી તેનો ઉપયોગ લીલોચારો ઉપલબ્ધ ન હોય ત્યારે કરવાથી દૂધ ઉત્પાદનની કિંમત ઘટાડી શકાય છે.

  • હમેશાં સુમિશ્રીત અને સમતોલ દાણ આપવું જોઈએ. દૂધ ઉત્પાદન સંઘો આવું દાણ બનાવી વેચાણ કરે છે, તેનો ઉપયોગ કરવો જોઈએ અથવા દાણ માટે જુદાજુદા ઘટકો ખરીદ કરી યોગ્ય મિશ્રણ બનાવી દાણ બનાવવું જોઈએ. કોઈ એક જ પ્રકારના દાણના ઘટક એટલે કે કપાસિયા, તેનો ખોળ, તુવરચુની, રાઈસ પોલિસ વગેરે આપવું હિતાવહ નથી.
  • ઉપરના મુદ્દાઓ ઉપરાંત દુધાળા પશુઓને જે ખોરાક આપવામાં આવે છે તે જ ખોરાકને આપવામાં નીચેના મુદ્દાઓ ધ્યાને રાખવામાં આવે તો તે જ ખર્ચમાં વધુ દૂધ ઉત્પાદન મેળવી વધુ નફો મેળવી શકાય છે.

  • પશુને જરૂરી દાણ સવારે અને સાંજે દોહન પેહલા બે સરખા ભાગ કરીને આપો. દાણ આપતા પહેલા એકાદ કલાક અન્ય ચારો ન આપવો, જેથી દાણ પૂરેપૂરું ખાઈ જાય અને બગાડ ન થાય.
  • પશુને બાકીનો જરૂરી લીલો-સુકો ચારો એક જ વખત ન આપતા ૩થી ૪ વખત નીરણ કરો, જેથી બગાડ ઘટશે અને પાચ્યતા વધશે.
  • સુકોચારો હમેશાં નાના ટુકડા કરીને (ચાફ કરીને) આપો. શક્ય હોય તો લીલોચારો અને સુકોચારો ચાફ કરી, મિશ્રણ કરીને આપો. આમ કરવાથી સુકાચારામાં ૨૦% જેટલો બગાડ અટકશે.

  • પશુના ખોરાકમાં ક્યારેય એકદમ ફેરફાર ન કરવો. આવો ફેરફાર ધીમે ધીમે કરવો. આમ કરવાથી પાચનતંત્ર ઉપર વિપરીત અસર થતી નથી.
  • પશુને ખોરાક આપવાથી ગમાણ હમેશાં યોગ્ય માપની પાકી બનાવવી જોઈએ, જેથી ખોરાકનો બગાડ અટકે છે.
  • ગરમીના દિવસોમાં હંમેશા રાત્રે ચારો નીરણ કરવો, જેથી પશુ રાત્રીના ઠંડા સમયે ખોરાક લઇ શકે, જેથી દૂધ ઉત્પાદન ઉપર ગરમીની વિપરીત અસર ઘટાડી શકાય.
  • પશુના ખોરાકમાં હમેશાં ૩૦ ગ્રામ ક્ષાર મિશ્રણ અને ૩૦ ગ્રામ મીઠું આપવું જોઈએ. પશુને બિલકુલ લીલું ઘાસ ઉપલબ્ધ ન હોય ત્યારે દાણમાં વિટામીન ‘એ’ પણ આપવું જોઈએ.

આ ઉપરાંત વસુકેલા અને ગાભણ દુધાળા પશુઓને હંમેશા સારો ખોરાક આપવો જોઈએ, જેથી ગર્ભનો પુરતો વિકાસ થઇ શકે અને દૂધ ઉત્પાદન અને પ્રજનન માટે જરૂરી તત્વો શરીરમાં આરક્ષિત કરી શકે, જે વિયાણ બાદ ઉત્પાદન અને પ્રજનન માટે વાપરી શકે. આ માટે સામાન્ય રીતે છેલ્લા ૨ માસ દૈનિક ૨ કિલો વધારાનું દાણ આપવું જોઈએ.