ગાંવલાવ ગાય

મૂળ ઉત્પત્તિ અને વિતરણ

આ જાતિનું ગાંવલાવ નામ વ્યાવસાયિક દુધના માણસો અથવા ‘ગૌલીઝ’ ની જાતિમાંથી પડ્યું છે. ઐતિહાસિક નોંધોથી તે સ્પષ્ટ છે કે મરાઠાઓએ આ જાતિને ઝડપી-દોડનાર પ્રકારમાં વિકસાવી હતી, જે ગોંડવાના મધ્યપ્રદેશના પહાડી વિસ્તારોમાં ઝડપી લશ્કર પરિવહન માટે યોગ્ય છે. સ્થાનિક ગોંડ રાજશાહી રાજ્ય પર આક્રમણ કરતી વખતે તેનો ઉપયોગ મુખ્યત્વે લશ્કરી સેના દ્વારા લશ્કરી હેતુઓ માટે કરવામાં આવતો હતો. તે દિવસો દરમિયાન એવું કહેવામાં આવે છે કે આ જાતિની ગાય ઉચિત દૂધ ઉત્પાદક ક્ષમતા ધરાવતી હોવાનું માનવામાં આવે છે, પરંતુ છેલ્લી બે સદીઓ દરમિયાન તેમની પસંદગી મુખ્યત્વે ઝડપી ભારવહનની ક્ષમતા વિકસાવવા તરફ નિર્દેશિત કરવામાં આવી હતી, જે દુધ ઉત્પાદન ક્ષમતાને ઓછી કરે છે. આમ ઓછા પ્રમાણમાં દુધનું ઉત્પાદન આ જાતિના ઘટાડાનું એક અગત્યનું પરિબળ છે.

ગાંવલાવ દૂધની સાથે સાથે ભારવહન માટે વપરાતી ઉચ્ચ ગુણવત્તાવાળી ભારતીય જાતિની ગાય છે. મહારાષ્ટ્રના વિદર્ભના કેટલાક જિલ્લાઓ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના આજુબાજુના જિલ્લાઓમાં તેમનું વિતરણ મર્યાદિત છે. ત્યાં જિલ્લાઓ અને બાલાઘાટ, છીંદવાડા, દુર્ગ, રાજનંદગાંવ અને સિઓની જેવા વિસ્તારોમાં ગાંવલાવના મોટા ટોળાઓનો ઉપયોગ થતો હતો. છેલ્લી વસ્તી ગણતરીના આંકડા બતાવે છે કે ગયા વીસ વર્ષોમાં ગાંવલાવની સંખ્યા નાટકીય રીતે ઘટી છે, ભારતની અન્ય સ્વદેશી જાતિઓની તુલનામાં ઘટાડોનો દર ખૂબ જ તીવ્ર છે. જો કે, આ જાતિના સંરક્ષણ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ ગંભીર પ્રયાસ થયો નથી.

શારીરિક લાક્ષણિકતાઓ

ગાંવલાવ પ્રાણીઓએ ઓન્ગોલ ગાયની જાતિ સાથે સમાનતા દર્શાવી છે, જો કે આ સહેજ હળવા અને તીવ્ર હોય છે. તેઓ આજુબાજુ જવાનું પસંદ કરે છે, તેથી જંગલ વિભાગ દ્વારા સચવાયેલા ઘાસના મેદાનોમાં પ્રાણીઓને ચરાઈ પર ઉછેરવામાં આવે છે. પરંતુ આવી ચરાઈવાળી જમીનની સાથે સાથે આ પ્રાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. શરીર માંસલ હોવાની સાથે પગ ટૂંકા અને મજબૂત હોય છે. પાછલા પગ સહેજ નમેલા હોય છે. પ્રાણીઓ રંગમાં સફેદ અથવા ભૂરા હોય છે, આખલા ખાસ કરીને ગરદનના કાંપ ઉપરના ભાગે ભૂરા રંગના હોય છે. પ્રાણીઓ ઊંચાઈમાં મધ્યમ હોય છે પરંતુ સહેજ સંકુચિત પરંતુ ધડના ભાગે લાંબા હોય છે. પ્રાણીનું માથું વિસ્તૃત, સાંકડી શબપેટી આકારનું અને નાક તરફ થોડું વળાંક ધરાવતું હોય છે, કપાળ સપાટ અને બહિર્ગોળ આકારનું હોય છે તથા કાન ટૂંકા હોય છે. નેત્રગુહા કક્ષાઓ આગળ પડતી હોતી નથી, ચહેરો સહેજ બહિર્ગોળ હોય છે. આંખો બદામ આકારની હોય છે અને ખૂણાના ભાગે સહેજ વળેલી, મધ્યમ કદની અને ઉચ્ચ સ્તર પર રહેલી હોય છે.

શિંગડાં નાના અને આગળથી જાડા હોય છે. ગરદનની કરચલીઓ સારી રીતે વિકસીત હોય છે જે ગરમીના ઉત્સર્જન માટે ત્વચાના સપાટી વિસ્તારને વધારે છે. ગરદન ટૂંકી હોય છે, સામાન્ય રીતે સારી રીતે વિકસિત ખૂંધની સાથે, જે સામાન્ય રીતે ઢીલું હોય છે અને એક તરફ ઢળેલું હોય છે. ગળાની ગોદડી મોટી હોય છે પરંતુ શીથ માત્ર મધ્યસ્થી વિકસિત હોય છે. આંખો દબાયેલી અને ખાડાઓ કાળી કિનારીઓથી ઘેરાયેલી હોય છે. ખાસ કરીને આ નક્શી-ભાત લાંબી અને ઢાળવાળી હોય છે. ખરીઓ મધ્યમ કદની, સખત અને ટકાઉ હોય છે, અને સખત રસ્તા અને ટેકરીઓ પરના કામ માટે અનુકૂળ હોય છે. પૂંછડી તુલનાત્મક રીતે ટૂંકી હોય છે, જે ઘૂંટણની નીચે ફક્ત થોડે સુધી જ પહોંચે છે. માદા ગળા, ખૂંધ અને પગના ભાગ પર સામાન્ય રીતે સફેદ અને નર ભૂખરા રંગના હોય છે. આ જાતિના આખલા ખાસ કરીને ઝડપી રસ્તાના કારી માટે યોગ્ય છે. જોકે, તેઓ કમરના ભાગે નબળા અને બંધારણમાં નાજુક હોવાનું વલણ ધરાવે છે અને જ્યારે વાવણીના કાર્ય તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તેઓ પાતળા અને લાંબા પગવાળા રહે છે. પુખ્ત પશુઓ ૩૪૦-૪૪૦ કિલોગ્રામ વજનના હોય છે, નર વજનમાં સહેજ ભારે હોય છે.

ઉત્પાદન અને પ્રજનન

ગાંવલાવ ગાય પાકના અવશેષોના ચારા પર અથવા ખોરાક આપવા પર સરેરાશ દરરોજ ૨-૩ કિલો દુધનું ઉત્પાદન કરે છે, એટલે કે પાનો મૂકવાના ૨૧૦ થી ૨૪૦ દિવસોમાં ૪૭૦-૭૨૫ કિલોગ્રામ દુધ આપે છે. દુધમાં ફેટનું પ્રમાણ લગભગ ૫.૫ ટકા હોય છે અને તે ખોરાકની રીત પર આધારિત છે. ચઢિયાતા ઉત્પાદન વાળા પ્રાણીઓ દિવસના ૬ થી ૮ કિલો દુધ સાથે ફેટ ૫.૫ ટકા કરતા વધારે આપે છે. મહત્તમ સંચાલન વ્યવસ્થા હેઠળ ગાંવલાવ દરરોજ ૮-૧૦ કિલો દુધ ઉત્પન્ન કરવા માટે જાણીતી છે. ગાંવલાવમાં પ્રજનન પરિમાણો દેશી ભારવહન જાતિઓ જેવા જ હોય છે, પરિપક્વતાની ઉંમર લગભગ ૩૬-૪૨ મહિનાની હોય છે, ૧૩૦૦ દિવસની આસપાસ પ્રથમ વિયાણની ઉંમર અને બે વિયાણ વચ્ચેનો ગાળો ૪૦૦ દિવસ કરતાં વધુ હોય છે.


અનુવાદક

ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત