ગરમીની ઋતુમાં દુધાળ પશુઓની ઉત્પાદન ક્ષમતા પર પડતો પ્રભાવ અને તેનાથી બચવાના ઉપાયો

પશુપાલક મિત્રો, ગરમીની ઋતુ આવી રહી છે. આ જ સાથે આપણે આપણા પશુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.

ગરમીની ઋતુમાં વધુ દૂધ આપતા દુધાળ પશુઓ પર કઈ રીતે અસર પડે છે?

          વધારે દૂધ ઉત્પાદન આપતી ગાયો-ભેંસોમાં અપેક્ષિત કરતા નીચા તાપમાને પણ શ્વાસોશ્વાસનું પ્રમાણ વધી જતું હોય છે, જયારે ઓછા દૂધ ઉત્પાદનવાળા પશુઓમાં તાપમાન સહન કરવાની ક્ષમતા વધુ હોય છે, કારણ કે વધારે દૂધ ઉત્પાદન આપતા પશુઓમાં ચયાપચયનો દર વધુ અને શરીરમાંથી વધારે ઉષ્માનું ઉત્પાદન થતું હોય છે અને એમાં પણ હલકા પ્રકારના ખોરાક આપવાથી ઉત્પાદન ક્ષમતામાં વધારે પડતો ઘટાડો જોવા મળે છે.

ગરમીથી પશુઓને બચાવવા શું કરવું જોઈએ?

          આથી જો વ્યવસ્થિત રીતે પશુ વ્યવસ્થાપન કરવામાં આવે તો વધારે દૂધ આપતા પશુઓમાં દૂધ ઉત્પાદન ક્ષમતા પર ગરમીના લીધે ઉત્પન્ન થતા તણાવની અસર ઓછી કરી શકાય છે. વિશેષ પ્રકારના ફુવારાઓ તેમજ પંખાની મદદથી પશુઓને ગરમીથી બચાવી શકાય છે.

          સીધા સૂર્યના તાપથી બચવા માટે શેડની વ્યવસ્થા કરી શકાય છે. શેડની ઉંચાઈ તેમજ છાપરા બનાવવા માટે વપરાતો સામાન અને રંગ સુર્યપ્રકાશની સીધી ગરમીથી બચવામાં મહત્વનો ભાગ ભજવે છે. શેડની આજુબાજુ ઘટાદાર વૃક્ષો તેમજ ઘાસ અને નાના છોડ ઉગાડવાથી પણ શેડને વધારે શીતળ/ઠંડો કરી શકાય છે. આવા શેડના કારણે પશુઓના શરીરનું તાપમાન તેમજ શ્વસનદર સામાન્ય રહે છે. આવી રીતે નીચા તાપમાને અને તેજ હવાને કારણે પશુઓના શરીરમાંથી નીકળતી ઉષ્મા વધારે તીવ્રતાથી નીકળતી હોય છે, જેના કારણે તાપમાન અને શ્વસનદર પણ સામાન્ય બની રહે છે, પરંતુ વધારે ગરમ હવાને કારણે પશુઓની ચામડીનું તાપમાન વધી જતુ હોય છે.

          આમ, વધારે તાપમાન તેમજ તણાવના કારણે જાનવરની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. જો પશુઓના માથાનો તેમજ ગરદનનો ભાગ ઠંડો રાખવામાં આવે તો તે વધારે પ્રમાણમાં ઘાસચારો ખાઈ શકે છે, જેના કારણે દૂધ ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. જાનવરોને સાંજે અથવા રાતના સમયે ચરવા જવા દેવામાં આવે તો સૂર્યના સીધા તાપથી બચાવી શકાય છે.

મોટા ડેરી ફાર્મમાં ઠંડક આપવાના ઉપાયો

          મોટા ખુલ્લા ડેરી ફાર્મમાં ઠંડક આપવાના સાધનો જેવાકે પડદા, કોથળા, ખસટટ્ટીનો ઉપયોગ તેમજ બંધ મકાનમાં એરકુલર, ફોગર અથવા તો એર કંડીશન પદ્ધતિનો ઉપયોગ કરી ગરમીનો તણાવ ઘટાડી શકાય છે.     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*